
ઈન્દોરઃ રાજા રઘુવંશી હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ચારેય આરોપીએ તેમનો ગુનો કબૂલી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે, તેમણે રાજા રઘુવંશીની હત્યા કરી હતી અને મૃતદેહ ઊંડા ખાડામાં ફેંકી દીધો હતો.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, રાજા પર સૌથી પહેલો પ્રહાર વિશાલ ઉર્ફે વિક્કી ઠાકુરે કર્યો હતો. હત્યા સમયે સોનમ રઘુવંશી પણ ત્યાં હાજર હતી. સોનમ તેના પતિ રાજાને મરતો જોઈ રહી હતી. રાજ કુશવાહ આ સમયે ઈન્દોરમાં હતો પરંતુ તેણે વિશાલ, આકાશ અને આનંદ નામના ત્રણ આરોપીઓને મેઘાલયમાં ખર્ચ માટે 50 હજાર રૂપિયા આપ્યા હતા.
પૂછપરછ દરમિયાન સોનમ અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો
મંગળવારે પૂછપરછ દરમિયાન સોનમ અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પોલીસને જેની તેઓ છેલ્લા બે દિવસથી રાહ જોઈ રહ્યા હતા તે માહિતી મળી હતી. શિલોંગ પોલીસ હત્યાના એક આરોપી વિશાલ ઉર્ફે વિક્કીને તેનો મોબાઈલ જપ્ત કરવા માટે તેના ઘરે લઈ ગઈ હતી. કલાકોની શોધખોળ બાદ પણ મોબાઈલ ન મળતા ગુસ્સે થયેલા પોલીસકર્મીઓએ વિક્કી અને રાજને માર માર્યો હતો.
રાજે ફોન ગાયબ કરવામાં તારો હાથ હોવાનું જણાવ્યુંઃ પોલીસ
રાજે રડતા રડતા કહ્યું કે ફોન સોનમ પાસે હશે. તે સમયે સોનમ પટનાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનમાં બેઠી હતી. શિલોંગના ડીસીપીએ તરત જ પોતાની ટીમને વીડિયો કોલ કર્યો. તેમણે સોનમ સાથે વાત કરી અને કહ્યું કે રાજે વિક્કીને જે ફોન આપ્યો હતો તે તેમને જોઈએ છે.ઉપરાંત એમ પણ કહ્યું કે, રાજે ફોન ગાયબ કરવામાં તારો હાથ હોવાનું જણાવ્યું છે.
રાજ જૂઠું બોલી રહ્યો છેઃ સોનમ
સોનમે કહ્યું કે રાજ જૂઠું બોલી રહ્યો છે. ડીસીપીએ વીડિયો કોલ પર જ બંનેનો સામનો કરાવ્યો હતો. જેમાં સોનમે જણાવ્યું કે તે રાજને ઇન્દોરમાં મળી હતી. આટલું સાંભળતા જ પોલીસકર્મીઓ ચોંકી ઉઠ્યા અને કડકાઈથી પૂછપરછ કરવા લાગ્યા. સોનમે કહ્યું કે રાજાની હત્યાના બે દિવસ પછી એટલે કે 25 જૂને તે ટ્રેન દ્વારા સિલિગુડી થઈને ઇન્દોર આવી હતી. 27 જૂન સુધી તે દેવાસનાકા વિસ્તારમાં ભાડાના રૂમમાં રોકાઈ હતી. આ દરમિયાન તેણે રાજ સાથે મુલાકાત પણ કરી હતી.
સોનમને ભાગવામાં મદદ કરનારાની પૂછપરછ કરાશે
જે બાદ તેણે હનીમૂનથી લઈ હત્યા સુધીનો સમગ્ર ઘટનાક્રમ શેર કર્યો હતો. રાજે કહ્યું કે ઈન્દોર સુરક્ષિત નથી. રાજા હત્યાકાંડની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. રાજે તેને ટેક્સીથી ગાઝીપુર રવાના કરી હતી. શિલોંગ એસપીએ કહ્યું, સોનમને ભાગવામાં મદદ કરનારા અને તે જ્યાં રોકાઈ હતી તેના માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે.