બેટા દસ નંબરીઃ બોલો, આચાર્ય પિતાની જગ્યાએ પુત્ર શાળાનું સંચાલન કરતા ઝડપાયો

અનુપપુરઃ મધ્યપ્રદેશના અન્નુપુર જિલ્લામાં એક સરકારી શાળાના આચાર્ય અને તેના પુત્ર વિરુદ્ધ છેતરપિંડીના આરોપસર પોલીસે આજે એફઆઇઆર દાખલ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પુત્ર તેના આચાર્ય પિતાની જગ્યાએ શાળાનું શિક્ષણ અને સંચાલન કરતો જોવા મળ્યો હતો.
આ અપરાધ શનિવારે ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે અનુપપુર જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી(સીઇઓ) તન્મય વશિષ્ઠ શર્માએ જિલ્લા મુખ્યાલયથી ૨૫ કિમી દૂર ચોલનામાં આવેલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાની મુલાકાત લીધી.
શર્માએ જણાવ્યું કે નિરીક્ષણ દરમિયાન આચાર્ય ચમન લાલ કંવર અને બે અતિથિ શિક્ષક શાળામાં હાજર ન હતા. તેના બદલે કંવરના પુત્ર રાકેશ પ્રતાપ સિંહ શિક્ષણ અને સંસ્થાનું સંચાલન કરતા જોવા મળ્યા હતા.
આપણ વાંચો: મધ્યપ્રદેશનો આઘાતજનક બનાવ: સેનાના બે અધિકારીઓ પર હુમલો, તેમની મહિલા મિત્ર પર બળાત્કાર
તેમણે જણાવ્યું કે શાળાની એક મહિલા શિક્ષિકાએ જણાવ્યું કે કંવર છેલ્લા એક મહિનાથી બિમાર છે અને તેમની જગ્યાએ તેમનો પુત્ર શાળામાં ભણાવી રહ્યો છે. ત્યારબાદ શર્માએ સંબંધિત અધિકારીઓને શિક્ષકના પુત્ર વિરુદ્ધ ગેરકાયદે પ્રવૃતિમાં સામેલ થવાના આરોપમાં એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.
જેથરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાકેશ ધારિયાએ જણાવ્યું કે ફરિયાદ મળી છે કે આચાર્યની ગેરહાજરીમાં તેમનો પુત્ર ગેરકાયદે અને અનધિકૃત રીતે શાળાનું સંચાલન કરી રહ્યો છે અને ભણાવી રહ્યો છે. તેમણે કહ્યું કે આચાર્ય ચમન લાલ કંવર અને તેમના પુત્ર રાકેશ પ્રતાપ સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ છેતરપિંડી અને ઠગાઇનો કેસ નોંધવામાં આવ્યો છે.