નેશનલ

કયાંક જલેબી તો ક્યાંક પકોડા….હરિયાણામાં જોવા મળ્યો Rahul Gandhiનો અલગ અંદાજ

હરિયાણામાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી છે. મંગળવારે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી સભા કરવા આવ્યા ત્યારે તેમના અલગ-અલગ અંદાજ જોવા મળ્યા હતા. તેમણે બહાદુરગઢમાં પ્રખ્યાત પકોડા ખાધા હતા. ગોહાનામાં માતુરામ કન્ફેક્શનરીની દુકાનમાં બનેલી મશહુર જલેબીનો સ્વાદ પણ ચાખ્યો હતો અને ત્યાર બાદ સોનીપતમાં એક ગ્રામીણ પરિવારના ઘરે ડિનર પણ લીધું હતું. મદીના ગામના ખેડૂતોએ રાહુલ ગાંધીને ડાંગરનો છોડ પણ ભેટમાં આપ્યો હતો, જે તેમણે ખેતરમાં વાવીને ટ્રેક્ટર ચલાવ્યું હતું.

ગત સિઝનમાં રાહુલ ગાંધી આ મદીના ગામમાં ડાંગર રોપવા આવ્યા હતા. તેમણે ખેતરોમાં ટ્રેક્ટર ચલાવ્યું અને ખેડૂતોની સાથે ખેતરોમાં શેરડીનું વાવેતર કર્યું હતું. તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. મંગળવારે રાહુલે હરિયાણા ચૂંટણીમાં બહાદુરગઢ, ખરખોડા, સોનીપત, ગણૌર અને ગોહાના વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કર્યો હતો.

રાહુલ ગાંધી મંગળવારે સવારે પહેલા બહાદુરગઢ પહોંચ્યા હતા. તેઓ સીધા પકોડા ચોકમાં આવ્યા હતા. અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક સમર્થકે રાહુલને પકોડા આપ્યા હતા. રાહુલે પકોડા ખાધા અને તેની પ્રશંસા પણ કરી હતી. ત્યાર બાદ તેઓ સોનીપત પહોંચ્યા હતા અને રોડ શો કર્યો હતો. તેમનો કાફલો ગન્નૌર ગામમાંથી પણ પસાર થયો હતો. રાહુલનો કાફલો બરવાસની ગામ પહોંચ્યો હતો. ત્યાં તેમણે એક ઘરમાં રાત્રિભોજન કર્યું હતું.

પરિવારની મહિલાઓએ ચૂલા પર રાહુલ માટે કઠોળ, સૂકું શાક, ચટણી અને રોટલી તૈયાર કરી હતી. રાહુલને લસ્સી પણ પીરસવામાં આવી હતી. રાહુલે મહિલાઓ સાથે વાત કરી હતી. જે બાદ તેઓ ગોહાના પહોંચ્યા હતા. ત્યાં નવા શાકભાજી માર્કેટમાં ખેડૂતોએ રાહુલને ચોખા રજૂ કર્યા અને કહ્યું કે આ તેમની મહેનતનું ફળ છે. આ ચોખા તે જ છોડમાંથી તૈયાર કરવામાં આવ્યા છે જે તેમણે મદીના ગામમાં લગાવ્યા હતા.

ત્યાર બાદ રાહુલને ગોહાનાના પ્રખ્યાત માતુરામની જલેબી ખવડાવવામાં આવી હતી. રાહુલે કહ્યું હતું કે બહેન પ્રિયંકાને મીઠાઈઓમાં જલેબી ગમે છે. જોકે, મને બીજી મીઠાઈઓ ગમે છે, પરંતુ જ્યારે મેં આ જલેબી ખાધી, ત્યારે મને લાગ્યું કે મેં મારા જીવનમાં આનાથી સારી જલેબી ક્યારેય ખાધી નથી. રાહુલે તરત જ પ્રિયંકાને ફોન પર મેસેજ કર્યો અને કહ્યું કે તે તેના માટે ગોહાનાથી જલેબી લાવશે. રાહુલે પ્રિયંકાને મોકલેલો મેસેજ વાંચી સંભળાવ્યો.

કોંગ્રેસે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મિનિટ લાંબો વીડિયો શેર કર્યો હતો, જેમાં રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને બજરંગ પુનિયા સાથે બરવાસની ગામમાં એક ગરીબ પરિવારના ઘરે ગયા હતા. ત્યાં ઘરની મહિલાઓ પરંપરાગત ગીતો ગાઈને તેમનું સ્વાગત કર્યું હતું. વીડિયો અનુસાર, માટીના ‘ચુલા’ પર ભોજન રાંધવામાં આવે છે અને મહિલાઓ ‘રોટલી’ અને શાક બનાવે છે.

રાહુલે દીપેન્દ્ર હુડ્ડા અને બજરંગ પુનિયા સાથે ડિનર કર્યું હતું. તેમને ડિનર સાથે લસ્સી પણ પીરસવામાં આવી હતી. સોનીપતના કોંગ્રેસના સાંસદ સતપાલ બ્રહ્મચારી પણ આ સમયે હાજર હતા. ઘરની મહિલાઓએ રાહુલ સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. એક મહિલાએ કહ્યું કે તે આ દિવસોમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેણે ડ્રગ્સના જોખમનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જેના પર રાહુલે કહ્યું હતું કે પહેલા પંજાબમાં આવું થતું હતું, પરંતુ હવે હરિયાણા તેની પકડમાં છે.

અન્ય એક મહિલાએ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, યુવા સ્નાતકો પાસે નોકરી નથી અને તેથી જ તેઓ સામાજિક દુષણોનો શિકાર બની રહ્યા છે. આ દરમિયાન કુસ્તીબાજમાંથી રાજનેતા બનેલા બજરંગ પુનિયા ઘરમાં હાજર એક નાના બાળકને કુસ્તીની યુક્તિઓ શીખવતા જોવા મળે છે. રાહુલે બાળકને પૂછ્યું હતું કે, શું તું કુસ્તીબાજ છે?

હરિયાણામાં વિધાનસભાની 90 બેઠક પર ચૂંટણી થઈ રહી છે. 5 ઓક્ટોબરે મતદાન થશે. ચૂંટણીના પરિણામ 8મી ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત