‘કોઈ કૂવામાં કૂદી, કોઈએ ફાંસી લગાવી….’બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં 6 છોકરીઓએ કરી આત્મહત્યા
તેલંગાણામાં ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ પોલીસને રાજ્યભરમાંથી આત્મહત્યાની માહિતી મળી છે. બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં 6 છોકરીઓએ આત્મહત્યા કરી છે.
તેલંગાણામાં ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી મધ્યવર્તી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 9 લાખ 80 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે બાદ બુધવારે તેલંગાણા સ્ટેટ બોર્ડ ઓફ ઇન્ટરમીડિયેટ એજ્યુકેશન (TSBIE) દ્વારા પ્રથમ અને બીજા વર્ષના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામ જાહેર થયાના 30 કલાકની અંદર સાત વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 6 વિદ્યાર્થિનીઓ છે. આત્મહત્યા કરનાર તમામ યુવતીઓની ઉંમર 16-17 વર્ષની છે. તેઓ એક કરતા વધુ વિષયમાં નાપાસ થઇ હતી અને ફેલ થવાનો તણાવ સહન નહીં કરી શકતા તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. કેટલીક યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી જ્યારે કેટલીકે કૂવામાં કૂદીને અથવા તળાવમાં ડૂબીને આત્મહત્યા કરી હતી. આ ઉપરાંત મંચેરિયલ જિલ્લાના તંદૂરમાં 16 વર્ષના કિશોરે આત્મહત્યા કરી હતી. 4 વિષયમાં નાપાસ થયા બાદ તેણે પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી.
ગયા વર્ષના બદલે આ વખતે પરિણામ બે અઠવાડિયા વહેલા જાહેર કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેઓ 24મી મેથી ફરી પરીક્ષા આપી શકશે. મુખ્ય સચિવ (શિક્ષણ) બુરા વેંકટેશમે વિદ્યાર્થીઓને નિરાશ ન થવા હાકલ કરી છે. નવેસરથી તૈયારી કરીને પરીક્ષામાં સફળતા મેળવો. આ માત્ર એક પરીક્ષા છે, તમારું આખું જીવન નથી, એમ તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું છે.
આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હોઉં તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો
વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)