કર્નલ સોફિયા કુરેશી સામે ટીપ્પણી કેસ: વિજય શાહ સામે HCમાં કાર્યવાહી બંધ કરવા SCનો આદેશ

નવી દિલ્હી: ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળો અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા નિયમિત થતી પ્રેસ બ્રિફિંગમાં કર્નલ સોફિયા કુરેશી (Col Sofia Qureshi)એ મહત્વની ભૂમિકા ભજવી હતી.
એક જાહેર સભામાં મધ્યપ્રદેશ સરકારના પ્રધાન વિજય શાહ (Vijay Shah)એ કર્નલ સોફિયા કુરેશીએ અંગે વાંધાજનક ટીપ્પણી કરી હતી, જેના બદલ તેમના સામે કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે બુધવારે આદેશ આપ્યો હતો કે આ કેસમાં વિજય શાહ વિરુદ્ધ હાઈ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી બંધ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે હવે આ કેસ પર સીધી દેખરેખ રાખી રહી છે.
અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે SIT એ કેટલાક ઇલેક્ટ્રોનિક પૂરાવ જપ્ત કર્યા છે અને તેની તપાસ શરૂ કરી છે. તેણે કેટલાક સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા છે.
આપણ વાંચો: કર્નલ સોફિયા અંગે ટિપ્પણી કરનારા ભાજપના નેતાની મુશ્કેલી વધી, હાઈ કોર્ટે FIR નોંધવાનો આપ્યો આદેશ
મામલો સુપ્રીમ કોર્ટ પાસે:
સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ છતાં, મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પણ કાર્યવાહી ચાલી રહી છે. જેની નોંધ લેતા ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશવરની બેન્ચે કહ્યું કે હવે મામલો સુપ્રીમ કોર્ટ પાસે છે, તેથી હાઈકોર્ટમાં બધી કાર્યવાહી બંધ કરવામાં આવે.
બેન્ચે કહ્યું, ‘વિજય શાહની ધરપકડ પર રોક સહિત 19 મેના રોજ જાહેર કરાયેલા વચગાળાના આદેશો લાગુ રહેશે.’ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ મામલે રાજકારણ ન થવું જોઈએ.
આપણ વાંચો: વડોદરાની વન્ડર વુમન તરીકે પ્રખ્યાત છે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના
SIT એ રિપોર્ટ આપ્યો:
આ કેસની આગામી સુનાવણી જુલાઈના બીજા અઠવાડિયા સુધી મુલતવી રાખવામાં આવી હતી. અગાઉ 19 મેના રોજ, સુપ્રીમ કોર્ટે વિજય શાહને ઠપકો આપ્યો હતો અને તેમની સામે નોંધાયેલી FIRની તપાસ માટે ત્રણ સભ્યોની SIT ની રચના કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે વિજય શાહની ધરપકડ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, કોર્ટે શરત મૂકી હતી કે તેમણે તપાસમાં જોડાવું પડશે અને સંપૂર્ણ સહયોગ કરવો પડશે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી SIT એ પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કર્યો છે.