નેશનલ

લવ મેરેજ કરનાર છોકરીના પરિવારને સમાજે નાત બહાર કાઢ્યો, સમાજમાં પાછા ફરવા પરિજનોને કરવું પડ્યું મુંડન

રાયગઢા: આજના સમયમાં હજુ પણ એવો વર્ગ છે, જે લવ મેરેજ કરનારને તિરસ્કારની નજરથી જુએ છે. કેટલાક વિસ્તારોમાં તો લવ મેરેજ કરનાર સાથે બહું ખરાબ રીતે દુર્વ્યવ્હાર કરવામાં આવે છે. એમા પણ જો કોઈ છોકરીએ અન્ય જાતિના છોકરા સાથે લવ મેરેજ કર્યા હોય તો સમાજનો દુર્વ્યવ્હાર ચરમસીમાએ પહોંચી જાય છે. ઓરિસ્સામાં પણ આવી જ એક ઘટના બની છે. અન્ય જાતિના છોકરા સાથે લવ મેરેજ કરનાર છોકરીના પરિવારને તેમના સમાજ દ્વારા નાત બહાર કાઢીને બહિષ્કાર કરવામાં આવ્યો છે.

છોકરીએ કર્યા લવ મેરેજ, પરિવારને સજા

ઓરિસ્સાના કાશીપુર બ્લોકની ગોરોખપુર પંચાયતના બેગનગુડા ગામની વાત છે. અહીં એક અનુસૂચિત જનજાતિની યુવતીને અન્ય ગામના અનુસૂચિત જાતિના યુવાન સાથે પ્રેમ થયો હતો. સમાજ પોતાના સંબંધને સ્વીકારશે નહીં, એમ સમજીને બંનેએ લવ મેરેજ કરી લીધા હતા. યુવતીના આ પગલાથી તેનો પરિવાર અને ગામના લોકો તેનાથી નારાજ થઈ ગયા હતા. સાથોસાથ ગામના લોકોની સંકુચિત વિચારધારાના કારણે છોકરીનો પરિવારને તેનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો હતો.

40 પરિવારજનોએ કરાવ્યું શુદ્ધિકરણ

લવ મેરેજ કરનાર છોકરીના પરિવારને તેના સમાજે નાત બહાર મૂકીને સામાજિક બહિષ્કાર કર્યો હતો. છોકરીના પરિવારને જો ગામમાં રહેવું હોય તો તેને શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. શુદ્ધિકરણની પ્રક્રિયામાં યુવતીના પરિવારજનોને એક પશુની બલિ આપવી પડશે અને ત્યારબાદ મુંડન કરાવવું પડશે. આટલું કર્યા બાદ જ સમાજમાં તેમનો ફરી સ્વીકાર કરવામાં આવશે. ગ્રામજનોના દબાણમાં આવીને પરિવારના 40 સભ્યોએ મુંડન કરાવી લીધું હતું.

બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરે હાથ ધરી તપાસ

કાશીપુરના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર વિજય સોયને આ અંગે જાણ થઈ હતી. તેમણે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બ્લોક અધિકારીને ગામ પર જઈને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તપાસ બાદ સત્ય સામે આવશે અને જરૂર જણાશે તો જવાબદાર લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સામાં બનેલી આ ઘટના સમાજમાં જાતિવાદના દુષણ અને કૂરિવાજોની પ્રથા પ્રવર્તમાન હોવાનું ઉદાહરણ પુરૂં પાડે છે. શુદ્ધિકરણ જેવી કથિત પ્રક્રિયા માનવાધિકારનું સરાજાહેર ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચો…રાજા રઘુવંશી જેમ છત્તીસગઢમાંથી પણ એક દંપતી રહસ્યમય રીતે લાપતા! હમણાં જ થયા હતા લગ્ન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button