નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

તો શું Priyanka Gandhi માટે આ રસ્તો પસંદ કરવામાં આવશે?

નવી દિલ્હીઃ આજે અમેઠી-રાયબરેલીમાં કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ અટકળોનો અંત આવી ગયો હતો પરંતુ થોડા સમય બાદ જયરામ રમેશે ફરી એક ટ્વિટ કરીને રાજકીય પંડિતોને પ્રિયંકા વિશે વિચારવા મજબૂર કરી દીધા હતા. જયરામે ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના સમાચાર પર ઘણા લોકોના મંતવ્યો છે. પરંતુ તે રાજકારણ અને ચેસનો અનુભવી ખેલાડી છે અને પોતાની ચાલ સમજી વિચારીને ચાલે છે.

અગાઉ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી ગાંધી-નેહરુ પરિવારની પરંપરાગત બેઠક રાયબરેલીથી ચૂંટણી લડશે. રાહુલે ઉમેદવારી પત્ર ભર્યું છે. સોનિયા ગાંધી અત્યાર સુધી આ સીટ પરથી ચૂંટણી લડતા આવ્યાં છે. રાહુલ અમેઠીથી ચૂંટણી લડતા હતા. પરંતુ આ વખતે પાર્ટીએ અમેઠીથી કિશોરી લાલ શર્મા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેદવારી પત્ર પણ ભર્યું છે. બંને ટિકિટોની જાહેરાતમાં વિલંબ પાછળ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલો તર્ક એ છે કે પાર્ટી નેતૃત્વએ વિચાર-વિમર્શ કર્યા બાદ નિર્ણય લીધો છે. જો કે, તેની પાછળનું બીજું કારણ સમાજવાદી પાર્ટી હોવાનું પણ માનવામાં આવે છે, જે ઈન્ડિયા ગઠબંધનમાં સહયોગી છે.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપા વચ્ચે ગઠબંધન છે. બંને ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે. યુપીમાં કુલ 80 સીટો છે. કોંગ્રેસના ખાતામાં 16 બેઠકો આવી છે. રાજકીય પંડિતોનું કહેવાનું છે કે જ્યારે કોંગ્રેસ અને સપા વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા પર સહમતિ થઈ હતી, ત્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવે શરત મૂકી હતી કે ગાંધી પરિવારમાંથી કોઈ એક (રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી વાડ્રા)ને યુપીમાંથી ચૂંટણી લડવી જોઈએ. આવી સ્થિતિમાં ગાંધી પરિવાર પાસે અખિલેશની શરતનો અમલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. આ જ કારણ છે કે છેલ્લી ઘડીએ યુપીની સૌથી સુરક્ષિત બેઠક રાયબરેલીથી રાહુલને મેદાનમાં ઉતારવામાં આવ્યો. જોકે આ વાત સાથે ઘણા સહમત થતા નથી.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે અગાઉ કોંગ્રેસે અમેઠી અને રાયબરેલીમાં અલગ-અલગ આંતરિક સર્વે કરાવ્યો હતો. 16 સર્વે રિપોર્ટ આવ્યા. આ તમામ સર્વેમાં નહેરુ-ગાંધી પરિવારના સભ્ય માટે રાયબરેલી સીટ સૌથી સુરક્ષિત માનવામાં આવી હતી. અહીં કોંગ્રેસે મોદી લહેરમાં પણ પોતાનો કિલ્લો સાચવી રાખ્યો છે. બીજી બાજુ અમેઠીમાંથી મળેલા પ્રતિસાદમાં સફળતાની માત્ર 50 ટકા શક્યતા દર્શાવવામાં આવી હતી.

પ્રિયંકા ગાંધીના ચૂંટણી ન લડવાને લઈને અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે. જયરામ રમેશે આ મામલે જે કહ્યું તે ફરી વિચાર કરતા કરી દે તેવું છે. તેમણે કહ્યું કે પ્રિયંકા જોરશોરથી પ્રચાર કરી રહી છે અને એકલા જ નરેન્દ્ર મોદીના દરેક જુઠ્ઠાણાનો સત્ય સાથે જવાબ આપીને ચૂપ કરી રહી છે, તેથી જ તે માત્ર પોતાના મતવિસ્તાર સુધી મર્યાદિત ન રહે તે જરૂરી છે. પ્રિયંકાજી કોઈપણ પેટાચૂંટણી લડીને ગૃહમાં પહોંચશે. ચેસની થોડી ચાલ બાકી છે, થોડી રાહ જુઓ.

રાહુલે વાયનાડથી ચૂંટણી લડી છે અને આ બેઠક પણ તેની માટે સુરક્ષિત માનવામાં આવે છે. હવે જો રાહુલ બન્ને બેઠક પરથી જીતે તો એક બેઠક મૂકવી પડે. તે જે પણ બેઠક છોડે તેના પર પ્રિયંકાને ચૂંટણી લડાવી તેને પણ સંસદમાં લાવી શકાય તેવો મનસૂબો કૉંગ્રેસનો હોઈ શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button