તો આ છે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું નવું ઘર, જાણો ક્યારે કરશે ગૃહ પ્રવેશ
અમેઠીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું નામ પડે એટલે આજે પણ ટીવી સિરિયલ સાસ ભી કભી બહુ થીની તુલસી યાદ આવી જાય. આ સિરિયલના ટાઈટલ સૉંગમાં સ્મૃતિ દર્શકોને પોતાનું ઘર બતાવે છે. ત્યારે હવે અમે તમને સ્મૃતિ ઈરાનીનું ઘર બતાવવા જઈ રહ્યા છીએ.
સ્મૃતિ ઈરાની કેન્દ્રીય કેબિનેટ પ્રધાન હોવાથી દિલ્હીમાં તો તેમને સરકારી આવાસ મળે જ, પરંતુ તેઓ સાંસદ અમેઠી-ઉત્તર પ્રદેશનાં છે, તેથી તેમણે અહીં એક ઘર બનાવ્યું છે, તેવી માહિતી મીડિયા અહેવાલો દ્વારા મળી છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ 2021માં પોતાનું ઘર બનાવવા માટે અહીં જમીન ખરીદી હતી. આ જમીન પર મકાન બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ સ્મૃતિ ઈરાની તેમાં રહેવાનું શરૂ કરશે.
ઉત્તર પ્રદેશના અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નવું ઘર તૈયાર છે. હવે તેની વાસ્તુપૂજાની તૈયારી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેને લઈને તેમના સમર્થકો અને ભાજપના સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરની કેટલીક તસવીરો પણ મીડિયામાં જોવા મળી છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવી અમેઠીની બેઠક પોતાને નામ કરી હતી. ત્યાર બાદ અમેઠીનાં સાંસદ સ્મૃતિ ઈરાનીએ જનતાને વચન આપ્યું હતું કે તેઓ જલ્દી જ જિલ્લામાં પોતાનું ઘર બનાવશે. આ અંગે તેણે ગૌરીગંજના મેદાન મવાઈમાં જમીન ખરીદી હતી. સ્મૃતિ ઈરાનીએ અમેઠીના લોકોને વચન આપ્યું હતું કે લોકોને તેમના સાંસદને મળવા માટે દિલ્હી નહીં જવું પડે. તે અમેઠીમાં જ પોતાનું ઘર બનાવશે અને લોકોની સમસ્યાઓ સાંભળશે. મળતી વિગતો અનુસાર સ્મૃતિ ઈરાની આગામી લોકસભા ચૂંટણી અમેઠીથી જ લડશે. ચૂંટણીની રણનીતિ પણ અહીંથી નક્કી કરવામાં આવશે. તેમનાં મતવિસ્તારના લોકો સાથે તેઓ સરળતાથી સંપર્ક કરી શકશે.
જોકે અગાઉ સ્મૃતિ ઈરાનીએ તેમનાં ઘરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું જીવંત પ્રસારણ આ નવા મકાનમાં જ યોજાયું હતું, જેમાં સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા હતા. હવે તેઓ અહીં રહેવા આવે તેવી શક્યતાઓ છે.