…તો બોમ્બે ટૂ ગોવા ‘વંદે ભારત’ એક્સપ્રેસ માટે આ નિર્ણય લઈ શકાય

મુંબઈઃ દેશના દરેક રાજ્યમાંથી વંદે ભારત એક્સપ્રેસ દોડાવવા માટે રેલવે મંત્રાલય કમર કસી રહ્યું છે ત્યારે મુંબઈ-ગોવા વચ્ચેની લોકપ્રિય વંદે ભારતને અઠવાડિયામાં છ દિવસ દોડાવવાનો નિર્ણય લઈ શકાય છે.
બોમ્બેથી ગોવા વચ્ચે વંદે ભારતમાં ટ્રાવેલ કરનારાની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, તેમાંય વળી તહેવારોમાં પેસેન્જરની સંખ્યામાં વધારો થવાની શક્યતા રહેશે, તેથી આગામી દિવસોમાં નવું શિડ્યુલ જાહેર કરી શકાય છે.
આગામી મહિનાથી દિવાળી, નવું વર્ષ સહિત અન્ય પર્વોની સાથે રજાઓ હોવાને કારણે મુંબઈથી ગોવા અને કોંકણમાંથી ગોવા જનારાની સંખ્યામાં વધારો થઈ શકે છે. પહેલી નવેમ્બરથી પ્રવાસીઓની સુવિધા માટે સીએસએમટી-મડગાંવ-સીએસએમટી વંદે ભારત એક્સપ્રેસને શુક્રવાર સિવાય રેગ્યુલર એટલે અઠવાડિયામાં છ દિવસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવી શકાય છે.
રેલવે મંત્રાલયમાંથી મળતા અહેવાલ પ્રમાણે મુંબઈથી ગોવાની વંદે ભારતમાં મેજર પેસેન્જર ટ્રાવેલ કરે છે, તેથી શુક્રવાર સિવાય હવે અઠવાડિયામાં છ દિવસ દોડાવી શકાય છે. વંદે ભારત એક્સપ્રેસમાં ટ્રાવેલ કરનારા વયજૂથના લોકોમાં પંદરથી 30 વર્ષ અને 31થી 45 વર્ષના લોકો છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે મધ્ય રેલવેમાં બોમ્બેથી ગોવા વચ્ચે અઠવાડિયાના ત્રણ દિવસ ટ્રેન દોડાવવામાં આવે છે.
હવે કોંકણ રેલવેમાં ચોમાસું ટાઈમટેબલ પ્રમાણે ટ્રેનની વધારે સર્વિસ દોડાવવાની શક્યતા ઊભી થશે, તેથી વધુ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવશે. અઠવાડિયામાં શુક્રવાર સિવાય છ દિવસ દોડાવવામાં આવશે, જ્યારે શુક્રવારે ટ્રેનના મેઈન્ટેનન્સ માટે રિઝર્વ રાખવામાં આવશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.