નવી દિલ્હી: ચંદ્રયાન-3 માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. હવે 16 દિવસના સ્લીપમોડ બાદ ISRO શુક્રવારે એટલે કે આજે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર એક્ટીવ કરવામાં આવશે. ચંદ્રપર સૂર્ય પ્રકાશ આવવાનો હોવાથી લેન્ડર અને રોવરની ઉપર આવેલ સોલર પેનલ ચાર્જ થવાની શક્યતાઓ છે.
ISRO ના સંચાલક નીલેશ દેસાઇએ ગુરુવારે 21મી સપ્ટેમ્બરના રોજ એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમે 22મી સપ્ટેમ્બરના રોજ લેન્ડર અને રોવર બંનેને સક્રિય કરવાનો પ્રયત્ન કરીશું. જો બધુ બરાબર રહેશે તો પ્રજ્ઞાન રોવર અને લેન્ડર એક્ટીવ થશે. જો એવું થાય તો આપણને ચંદ્રના પૃષ્ઠભાગની વધુ જાણકારી મેળવવામાં સહાય મળશે. આનો ફાયદો ચંદ્રના સંશોધનને થશે.
સૌર પેનલ સૂર્ય પ્રકાશથી ચાર્જ થઇ જશે એવી અપેક્ષા છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર આ બંને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર છે. અહીં આજે સૂર્યના કિરણો આવશે સવાર જેવું વાતાવરણ થશે. તેથી રોવર અને લેન્ડરના સોલર પેનલ ચાર્જ થશે એવી આશા છે. રોવર અને લેન્ડર સાથે ફરી સંપર્ક કરવા ISRO સજ્જ છે.
નીલેશ દેસાઇએ વધુમાં કહ્યું કે, અમે લેન્ડર અને રોવર બંને સ્લીપમોડ પર રાખ્યા છે. ચંદ્ર પર રાત્રે તાપમાન 120-200 ડિગ્રી સેલ્સીયસ નીચે જશે એવી આશા હતી. ચંદ્ર પર સૂર્યોદય થવાથી અમને આશા છે કે, સોલર પેનલ અને અન્ય બાબતો 22મી સપ્ટેમ્બર સુધી પૂર્ણ રીતે ચાર્જ થઇ જશે. તેથી અમે લેન્ડર અને રોવર બંને સક્રીય કરવાનો પ્રયાસ કરીશું.
ચંદ્રયાન-3 એ 23મી ઓગષ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડીગ કર્યું હતું. ISRO એ આપેલી જાણકારી મુજબ અંતરીક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં પહેલીવાર ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માટીનું પરિક્ષણ કર્યુ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલીવાર કોઇ દેશ સોફ્ટ લેન્ડીગ કરી શક્યું છે.
Taboola Feed