આ કારણે બોમ્બે હાઈકોર્ટે એર ઈન્ડિયાના કર્મચારીઓની અરજીની સુનાવણી ન કરી

નવી દિલ્હી: એર ઈન્ડિયા હવે સંપૂર્ણપણે પ્રાઈવેટ કંપની બની ગઈ હોવાથી કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી થઈ શકે એમ નથી એવો ચૂકાદો બોમ્બે હાઇકોર્ટે આપ્યો છે. એર ઇન્ડિયા લિમિટેડ (એઆઇએલ) હવે કોઈ સાર્વજનિક ફરજ નથી બજાવતી, હકીકતમાં પ્રાઇવેટાઇઝેશન બાદ નફો રળવાના શુદ્ધ વ્યાપારી હેતુ સાથે પ્રાઈવેટ કંપની તરીકે કામ કરી રહી છે એમ અદાલતે કર્મચારીઓની અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું. આ અરજી 2001માં કરવામાં આવી હતી.
ન્યાયમૂર્તિ ચંદ્રશેખર અને મંજુષા દેશપાંડેની ખંડપીઠે 2001માં વકીલ અશોક શેટ્ટી મારફતે એર ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા દાખલ કરેલી ત્રણ અરજીને ફગાવી દેતા આ આદેશ આપ્યો હતો. દરેક અરજીમાં રજૂ કરવામાં આવેલા તથ્યો અને માંગવામાં આવેલી રાહત અલગ અલગ હતી, પરંતુ તમામ અરજીઓ એર ઇન્ડિયા સાથે સંબંધિત હોવાથી અદાલતે આ અરજીઓની એકત્રિત સુનાવણી કરી હતી. શરૂઆતમાં આ અરજીઓ દાખલ કરવામાં આવી હતી ત્યારે એ સુનાવણી માટે યોગ્ય હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. જો કે અરજી પેન્ડિંગ હતી એ દરમિયાન એર ઇન્ડિયાનું પ્રાઈવેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. આ બદલાયેલી સ્થિતિને કારણે કંપની સામે રાહતની માંગ કરી શકાય નહીં એવી સ્પષ્ટતા અદાલતે કરી હતી.
આ પણ વાંચો…CM રાહત ફંડનો ઉપયોગ નિર્ધારિત હેતુ માટે જ થશે તેવી આશા: બોમ્બે હાઈકોર્ટ