સીતામઢી કે જનકપુરી? ક્યાં જન્મ્યા હતા માતા સીતા…
ગઈકાલે અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો, હજારો લોકોએ આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બન્યા. પરંતુ માતા સીતાની વાત આવે તો તેમના જન્મસ્થાનને લઈને અલગ અલગ લોકવાયકાઓ સાંભળવા મળે છે. આજે અમે અહીં તમને માતા સીતાના જન્મસ્થળ વિશે કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છીએ.
ઘણા લોકોની એવી માન્યતા છે કે માતા સીતાનો જન્મ નેપાળના મધેશ પ્રદેશની રાજધાની જનકપુર ખાતે માતા સીતાનો જન્મ થયો હતો. અહીંના લોકોમાં આવી માન્યતા છે. વાલ્મિકી રામાયણમાં સીતાના જન્મ અને લગ્નના સ્થળ તરીકે પણ જનકપુરનો ઉલ્લેખ જોવા મળે છે. રાજા જનક મિથિલાના રાજા હતા અને આ જ કારણસર સીતા માતાને મૈથિલીના હુલામણા નામે પણ ઓળખવામાં આવે છે.
જોકે, જનકપુરીમાં મૈથિલિ ભાષા બોલનારા લોકોની સંખ્યા પણ વધારે છે. પરિણામે રામ અને સીતામાં આસ્થા ધરાવનારા લોકો માટે આ પણ એક પ્રમાણ છે કે સીતા અહીંની દીકરી હતી. જનકપુરમાં સીતાજીનું મંદિર પણ આવેલું છે જેનું નામ જાનકી છે.
આ સિવાય કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે બિહારનું સીતામઢીએ સીતાનું જન્મસ્થળ છે. એવું કહેવાય છે કે સીતામઢીનું પુનૌરા ગામ એ જગ્યા છે કે જ્યાં સીતા જમીન ખેડતી વખતે રાજા જનકને મળી હતી. હળનું ફળ જેને સીત તરીકે ઓળખવામાં આવે છે તે ટકરાવવાને કારણે જમીનમાં દટાયેલું કળશ મળી આવ્યું હતું. આ કળશમાં એક કન્યા હતી અને આ જ કારણસર એ બાળકીને સીતા એવું નામ આપવામાં આવ્યું હતું.
બૃહદ વિષ્ણુ પુરાણમાં આપવામાં આવેલી માહિતી અનુસાર સીતાનો જન્મ જનકપુરથી ત્રણ યોજન દૂર એટલે કે આશરે 40 કિલોમીટર દૂર થયો હતો. નેપાળમાં આવેલા માતાના કથિત જન્મસ્થળથી ભારતની આ જગ્યા વચ્ચે લગભગ આટલું જ અંતર છે અને આ જ કારણ ભારતના આ દાવાને મજબૂત આધાર મળે છે કે માતા સીતાનો જન્મ અહીંયા જ થયો હતો.