
સંભલઃ સંભલમાં જામા મસ્જિદ સર્વેના વિરોધમાં 24 નવેમ્બર 2024ના રોજ થયેલી હિંસાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા 79 લોકો સામે સંભલ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં દુબઈનો એંગલ પણ ખુલ્યો છે. દુબઈના એક ઑટો લિફ્ટરને સંભલ હિંસાનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવ્યો છે. સંભલ હિંસામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 30 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે આરોપીઓ પર રમખાણો આગચંપી અને ગોળીબાર કરવાના આક્ષેપો લગાવ્યા છે. તપાસમાં સંગઠિત ગુના અને વિદેશી ભંડોળનો પણ ખુલાસો થયો છે.
સંભલ હિંસાના ચાર કેસોમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે હજુ સુધી સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા ઉર રહેમાન બર્ક અને સદરના વિધાનસભ્યના પુત્ર સુહેલ ઈકબાલ સામે હજી સુધી ચાર્જશીટ દાખલ કરી નથી.
જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાની તપાસ કરી રહેલી પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે સબલ હિંસાનો માસ્ટર માઈન્ડ શારિક સાઠા હતો, જે દુબઈમાં છુપાયેલો છે, હિંસા દરમિયાન ચાર લોકોના થયેલા મોત માટે પણ શારિક સાઠાના માણસો જવાબદાર છે. તેમણે ગોળીબાર કરીને ચાર લોકોની હત્યા કરી હતી.
Also read: સંભલ હિંસા બાદ ૧૪૦૦ થી વધુ વીજ ચોરીના કેસ નોંધાયા, ૧૬ મસ્જિદ સામેલ…
આ હત્યાની તપાસ કરી રહેલા પોલીસને શારિક સાઠાની માહિતી મળી હતી અને જાણવા મળ્યું હતું કે તે ભારતમાંથી ભાગી ગયો છે અને દુબઈમાં છુપાઈ ગયો છે. સાઠા અંગે પોલીસ તપાસમાં અનેક માહિતીઓ બહાર આવી છે. શારિક સાઠા દુબઈથી કામ કરતો હતો અને તેણે હિંસાનું કાવતરો ઘડ્યું હતું. તેના બે સાથીઓ મુલ્લાં અફરોઝ અને મોહમ્મદ વારિસની ધરપકડ થયા બાદ તેની સંડોવણી પ્રકાશમાં આવી હતી.