SIR પ્રક્રિયા પર વિવાદ: સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ પાસેથી માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે નવ રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો શરૂ કરી દીધો છે. એસઆઈઆરના બીજા તબક્કાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે આજે ડીએમકે, સીપીઆઈ (એમ)પશ્વિમ બંગાળ કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસના નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચૂંટણી પંચ પાસેથી અલગ-અલગ જવાબો માંગ્યા હતા.
આ રાજકીય પક્ષો દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીઓમાં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયાને પડકારવામાં આવી છે.
આપણ વાચો: RJDના વિજળી કાપના દાવાને ચૂંટણી પંચે આપ્યો રદ્યો, કહ્યું- મતદાન શાંતિથી ચાલે છે, અફવા ન ફેલાવો
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચને બે અઠવાડિયામાં નવી અરજીઓનો જવાબ આપવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે મદ્રાસ અને કલકત્તા હાઈકોર્ટને તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર કોઈપણ કાર્યવાહીને સ્થગિત રાખવા કહ્યું છે. તેણે તમિલનાડુમાં એસઆઈઆરના સમર્થનમાં એઆઈએડીએમકે દ્વારા દાખલ કરવામાં આવેલી હસ્તક્ષેપ અરજીને સુચિબદ્ધ કરવાની મંજૂરી આપી હતી.
એક ટૂંકી સુનાવણી દરમિયાન તમિલનાડુના શાસક પક્ષ ડીએમકે તરફથી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા યોગ્ય દિશાનિર્દેશોનું પાલન કર્યા વિના ઉતાવળમાં કરવામાં આવી રહી છે. મતદારો પાસેથી દસ્તાવેજોના વિવિધ સેટ માંગવામાં આવી રહ્યા છે.
આપણ વાચો: આનંદો! ચૂંટણી પંચે ઉમેદવારોની ખર્ચ મર્યાદા વધારી
તેમણે કહ્યું હતું કે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન તમિલનાડુમાં ઉત્તરપૂર્વીય ચોમાસું હંમેશા ભારે રહે છે અને આ ઋતુ દરમિયાન દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે છે.
તેમણે કહ્યું હતુ કે “હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે સામાન્ય કરતાં વધુ ભારે વરસાદની આગાહી છે. આને કારણે સામાન્ય લોકો પણ તેની તૈયારી કરી રહ્યા હશે અને બીએલઓ, ઇઆરઓ, એઇઆરઓ તરીકે નોંધાયેલા મહેસૂલ અધિકારીઓએ પણ પૂર રાહતનું સંચાલન કરવું પડશે. તેથી વ્યવહારિક રીતે ઉપરોક્ત પ્રક્રિયા કરવા માટે આ અનુકૂળ સમય નથી.”
જસ્ટિસ કાંતે કહ્યું હતું કે કે ભારત જેવા મોટા દેશમાં કેટલાક રાજ્યો હંમેશા કુદરતી આફતોનો સામનો કરશે. સિબ્બલે કહ્યું હતું કે દક્ષિણ રાજ્યના અમુક વિસ્તારોમાં ખૂબ જ નબળી કનેક્ટિવિટી છે અને દસ્તાવેજો અપલોડ કરવામાં મુશ્કેલીઓ આવશે.તેવી જ રીતે પશ્ચિમ બંગાળમાં પણ ગ્રામીણ કનેક્ટિવિટી ખૂબ જ ખરાબ છે અને તમિલનાડુની તુલનામાં ઘણી ખરાબ છે.”



