
ગંગટોક : સિક્કિમમાં ભૂસ્ખલનના કારણે ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ગુમ છે. આ અંગે મળતી માહિતી મુજબ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા ઉપલા રિમ્બીમાં ગુરુવારે રાત્રે ભૂસ્ખલન થયું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. સ્થાનિકો અને સેનાના જવાનો સાથે મળીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
બે ઘાયલ મહિલાને સુરક્ષિત રીતે નીકાળી હતી
આ દુર્ઘટનામાં પોલીસે પૂર પ્રભાવિત હ્યુમ નદી પર ઝાડની ડાળીથી એક કામચલાઉ પુલ બનાવીને બે ઘાયલ મહિલાને સુરક્ષિત રીતે નીકાળી હતી. તેમને સારવાર માટે જીલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જયારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. જયારે બીજી મહિલાની હાલત નાજુક છે. પોલીસે જણાવ્યું છે કે અમે મુશ્કેલ હાલતમાં બચાવ કામગીરી કરી પરંતુ હજુ ત્રણ લોકો ગુમ છે.
દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે સોમવારે સિક્કિમના ગ્યાલશિંગ જીલ્લામાં અડધી રાત્રે ભૂસ્ખલન થયું હતું અને તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં થાંગશિંગ ગામની 45 વર્ષની મહિલાનું મોત થયું હતું. તેમજ ઘરને પણ નષ્ટ કર્યું હતું. આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે.
ભારે વરસાદના લીધે ભૂસ્ખલનનો ખતરો વધ્યો
સિક્કીમમાં સતત થઈ રહેલી ભૂસ્ખલનની ઘટનાઓ બાદ જીલ્લા વહીવટીતંત્રઓએ આવા વિસ્તારના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ સુરક્ષા નિયમો જાળવવા પણ અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદના લીધે ભૂસ્ખલનનો ખતરો વધી રહ્યો છે.
આ પણ વાંચો…..ઉત્તરાખંડમાં પિથૌરાગઢ ભૂસ્ખલન! એનએચપીસી ટનલમાં હજી પણ 11 લોકો ફસાયેલા