સિક્કિમના પૂરને લીધે બંગાળમાં આફત, તિસ્તા નદીમાંથી 3 સેનાના જવાનોના મૃતદેહ મળ્યા
સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે અતિભયંકર તબાહી સર્જાઇ છે. વિનાશક પૂરમાં પશ્ચિમ બંગાળના પણ કેટલાક ભાગો પ્રભાવિત થયા છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ પૂરના કારણે ગુમ થયેલા 30થી વધુ લોકોના મૃતદેહ પશ્ચિમ બંગાળની તિસ્તા નદીમાંથી મળી આવ્યા હતા, જેમાંથી 3 મૃતદેહ સેનાના જવાનોના છે. આ પહેલા અહેવાલો હતા કે પૂરને લીધે સિક્કિમના બોડ્રુંગમાં 22 સેનાના જવાનો લાપતા થયા હતા, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તિસ્તા નદીમાંથી મળી આવેલા 3 મૃતદેહો આ લાપતા થયેલા જવાનોમાંથી જ કોઇના હોઇ શકે છે.
ગત 4 ઓક્ટોબરથી સિક્કિમમાં ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડને કારણે નદીઓમાં જળસ્તર ચિંતાજનક રીતે વધી ગયું હતું. જેને લીધે રાજધાની ગંગટોક સહિત અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. ઉપરાંત ચુંગથાંગ બંધમાંથી પણ પાણી છોડવામાં આવતા તિસ્તા નદીનું જળસ્તર વધી ગયું હતું.
સિક્કિમમાં પૂરની સ્થિતિને કારણે 20 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સેનાના જવાનો અને NDRFની ટીમ સતત કામગીરી કરી રહી છે. આશરે 3000 જેટલા પર્યટકો પૂરની સ્થિતિમાં સિક્કિમમાં હાલ ફસાયેલા છે. જો કે તેઓ સુરક્ષિત છે તેવી માહિતી મળી રહી છે. પૂરને કારણે આખા રાજ્યમાં 11 પુલ તૂટી પડ્યા હોવાની માહિતી મળી રહી છે. પાણીની પાઇપલાઇનો, ડ્રેનેજ લાઇનો 200 થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે.