સિક્કિમ હોનારત: ડેમના નબળા બાંધકામને કારણે તારાજી સર્જાઈ, મુખ્ય પ્રધાનનો દાવો

સિક્કિમમાં વાદળ ફાટવાના કારણે આવેલા ભારે પૂરને કારણે ચુંગથાંગ ડેમ તૂટી ગયો હતો, જેના કારણે ભારે તારાજી સર્જાઈ છે. હાલની સરકારે આ હોનારત માટે રાજ્યની અગાઉની સરકારને જવાબદાર ઠેરવી છે. મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કરતા કહ્યું હતું કે ચુંગથાંગ ડેમ તૂટવાનું કારણ અગાઉની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું નબળું બાંધકામ છે. સિક્કિમના મુખ્ય પ્રધાને આ દુર્ઘટના માટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારના ખરાબ નિર્માણ કાર્યને જવાબદાર ઠેરવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પવન ચામલિંગ 24 વર્ષથી વધુ સમયથી સિક્કિમમાં સત્તા પર હતા.સિક્કિમમાં મંગળવારે રાત્રે વાદળ ફાટ્યા બાદ આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે, જેમાં ઘણા સૈનિકો પણ સામેલ છે. ઉપરાંત 16 સૈનિકો સહિત 103 લોકો ગુમ છે. દેશભરમાંથી સિક્કિમ આવેલા 3,000 થી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે. અત્યાર સુધીમાં 2,500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 6,000 લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે.