નેશનલ

નિકોબારમાં વહેલું ચોમાસું બેસે એવા સંકેતોઃ આઈએમડીની નવી આગાહી જાણો

મુંબઈ/નવી દિલ્હી: આંદામાન અને નિકોબાર ટાપુની નજીક સમુદ્રની સપાટી પર હાલમાં વાદળોનું સામ્રાજ્ય અને પવનોના વેગમાં ઘણો ફેરફાર જણાઇ રહ્યો છે. આ લક્ષણો જલદીથી ચોમાસું બેસે એવા જણાઇ રહ્યા છે. સામાન્ય રીતે મોસમી વરસાદ મેના બીજા કે ત્રીજા અઠવાડિયામાં આ ભાગમાં દાખલ થાય છે, પરંતુ આ વખતે એક અઠવાડિયું પહેલા દાખલ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, એમ હવામાન સંબંધિત નિષ્ણાતોનો મત છે.

પંદરમી મેની આસપાસ દાખલ થઈ શકે

નિકોબાર ટાપુ પર મોસમી વરસાદ ક્યારે દાખલ થાય છે તેના પર ભારતના નૈઋત્યના મોસમી પવનોની પ્રગતિ, વેગ, સમય અને વરસાદનો અંદાજ લગાવવામાં આવે છે. નિકોબાર ટાપુ પર મોસમી વરસાદ સામાન્ય રીતે ૧૫મી મેની આસપાસ દાખલ થાય છે.

આ પણ વાંચો: હીટવેવ એલર્ટ: મુંબઈમાં તાપમાન 38 ડિગ્રીને પાર, આઈએમડીએ આપી આ ચેતવણી

2007-2008માં પરિસ્થિતિ હતી સાવ અલગ

ભારતમાં મોસમી વરસાદ સૌથી પહેલા અહીં જ આવે છે. આ વખતે અહીં ૧૦મી મેના રોજ મોસમી વરસાદ દાખલ થવાનો અંદાજ છે. આ અગાઉ ૧૭ વર્ષ પહેલા ૨૦૦૭ અને ૨૦૦૮માં ૧૦મી મેના રોજ નિકોબારમાં મોસમી વરસાદ પડવાની શરૂઆત થઇ હતી. અહીં ૩૦૦૦-૩૮૦૦ મિલિમીટર વરસાદ પડે છે, જે દેશના અન્ય ભાગની સરખામણીમાં વધુ છે.

મહારાષ્ટ્રના હવામાનમાં બહુ મોટો ફેરફાર

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં હવામાનમાં બહુ મોટો ફેરફાર જણાઇ રહ્યો છે. એપ્રિલમાં રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવે મે મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે જે અનુસાર આગામી ૨૪ કલાકમાં રાજ્યના કેટલાક ભાગમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે જેમાં પુણે, મુંબઈ શહેર તથા પરાં વિસ્તારના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે.

આ પણ વાંચો: એપ્રિલમાં જ અમદાવાદ ફેરવાયું અગન ભઠ્ઠીમાં, જાણો દરરોજનું સરેરાશ તાપમાન કેટલું નોંધાયું

ઉત્તર કોંકણને બાદ કરતા અન્ય જિલ્લામાં હીટવેવની ચેતવણી

બફારાથી છુટકારો મળશે નહીં. આ સિવાય વિદર્ભનું અકોલા સૌથી ગરમ શહેર બન્યું છે. મરાઠવાડાનું તાપમાન વધવાની શક્યતા છે. મેની શરૂઆતમાં મુંબઈમાં આકાશ સ્વચ્છ રહેશે, પણ હીટવેવની કોઇ ચેતવણી નથી. મરાઠવાડામાં કેટલીક જગ્યાએ તાપમાન વધેલું હશે જ્યારે ધારાશિવ, લાતુર, નાંદેડમાં વાદળિયું વાતાવરણ રહેશે અને વરસાદના ઝાપટાં પણ પડી શકે છે. ઉત્તર કોંકણને બાદ કરતા અન્ય જિલ્લામાં હીટવેવની ચેતવણી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button