ભગવાન વિષ્ણુએ મોહિની રૂપે દાનવોને મોહી દેવોને અમર બનાવ્યા; જાણો મોહિની એકાદશીનું મહત્વ અને પૂજાવિધિ…
Mohini Ekadashi 2024: હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહાત્મ્ય રહેલું છે. દરેક મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીએ વ્રત કરવામાં આવે છે. જેમાં વૈશાખ મહિનાની એકાદશીનું ખૂબ જ વિશેષ્ઠ મહત્વ રહેલું છે. આ એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે અને મોહિની એકાદશીને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આજે મોહિની એકાદશી છે. જાણો મોહીની એકાદશીનું મહત્વ, તેની કથા અને આજની પૂજા વિશે.
મોહિની એકાદશીની દંતકથા :
મોહિની એકાદશીની દંતકથા ભગવાન વિષ્ણુ અને સમુદ્રમંથન સાથે જોડાયેલી છે. સમુદ્રમંથન થયું ત્યારે અમૃત મળ્યા બાદ દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. આ યુદ્ધમાં દાનવોની શક્તિના જોરે દેવતાઓ યુદ્ધ જીતી શકે તેમ નહોતું. આથી ભગવાન વિષ્ણુએ મોહીનીનું રૂપ ધારણ કર્યું અને તેના મોહમાં દાનવો આવી જતાં અમૃત દેવતાઓને મળ્યું, આથી દેવતાઓ અમરત્વ પામ્યા. આ કારણે આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે.
એકાદશીનું શુભ મુર્હુત :
આ વખતે મોહિની એકાદશી 18 મેના રોજ સવારે 11:22 વાગ્યાથી લઈને 19 મેના બપોરે 01:50 વાગ્યા સુધી રહેશે
.ઉદયતીથીના કારણે મોહિની એકાદશીનું વ્રત 19 મેના રોજ રાખવામાં આવશે. આ વ્રત તોડવાનું મુર્હુત 20મીના રોજ સવારે 5:28 થી 8: 12 સુધી રહેશે.
મોહિની એકાદશીના શુભ યોગ :
આ વર્ષની મોહિની એકાદશી તેના દિવસે સર્જાતાં યોગના લીધે ઘણી જ મહત્વપૂર્ણ રહેવાની છે. આ વખતે મોહિની એકાદશી પર દ્વિપુષ્કર યોગ, શુક્રાદિત્ય યોગ, રાજભંગ યોગ, લક્ષ્મી નારાયણ યોગ, સર્વાર્થ સિધ્ધયોગ, અમૃત સિદ્ધયોગ જેવા યોગના લીધે પણ એકાદશી ખૂબ જ મહત્વની રહેવાની છે.
આજની પૂજાવિધિ :
આજે સૌપ્રથમ સ્નાન કરીને મંદિરને સાફ કરો.
ભગવાન વિષ્ણુને આજે જલાભિષેક કરો.
ગંગાજળની સાથે પંચામૃતથી ભગવાન વિષ્ણુને જલાભિષેક કરો.
ભગવાનને પીળા પુષ્પ અને પીળું ચંદન અર્પણ કરો.
મદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો.
આજે શક્ય હોય તો ઉપવાસ રાખવો જોઈએ.
મોહિની એકાદશીની વ્રતકથા વાંચો.
ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને તુલસીજીના પર્ણ સાથે ભોજન અર્પણ કરીને આરતી કરો.
આજનો મંત્ર :
આજના દિવસે “ૐ નમો ભગવતે વાસુદેવાય, ૐ વિષ્ણવે નમઃ” મંત્રનો પાઠ કરવો જોઈએ.