કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનો મોટો દાવો: પાંચ વર્ષ માટે હું જ CM રહીશ

બેંગલુરુ: છેલ્લા કેટલાક સમયથી કર્ણાટક કૉંગ્રેસમાં જુથવાદ ઊભો થયાની અટકળોએ જોર પકડ્યું હતું. કૉંગ્રેસના કેટલાક નેતાઓ ડીકે શિવકુમારને નેતૃત્ત્વ સોંપવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે પક્ષમાં જૂથવાદ નહીં હોવાની વાત કરી હતી ત્યારે આજે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ તમામ અટકળોનો અંત આણી દીધો છે.
હું જ કર્ણાટકનો સીએમ રહીશ: સિદ્ધારમૈયા
તાજેતરમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મીડિયાનું સંબોધન કર્યું હતું. જેમાં કર્ણાટકમાં ચાલી રહેલી નેતૃત્વ પરિવર્તનની અટકળોના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો. પત્રકારે તેમને પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે પાંચ વર્ષ સુધી સીએમ બન્યા રહેશો?” સિદ્ધારમૈયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે હા પાંચ વર્ષ સુધી હું જ કર્ણાટકનો સીએમ બન્યો રહીશ. એમાં કોઈને શંકા નથી. તમને કેમ શંકા છે?”
આપણ વાંચો: બેંગલુરુ નાસભાગ: CM સિદ્ધારમૈયાએ કુંભમેળાની નાસભાગનો ઉલ્લેખ કર્યો, Dy CMએ માફી માંગી
ભાજપના નેતાઓની વાતની પુષ્ટી કરો
ભાજપ અને જેડી(એસ)ના નેતાઓના સીએમ બદલવાના દાવાઓને વખોડતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, શું તેઓ અમારા હાઇ કમાન્ડ છે? આર અશોક(વિધાનસભાના વિપક્ષના નેતા) ભાજપના માણસ છે. બી. આઈ. વિજયેન્દ્ર(ભાજપ પ્રદેશ પ્રમુખ) ભાજપના માણસ છે. ચાલાવાડી નારાયણસ્વામી (વિધાન પરિષદમાં વિપક્ષના નેતા) ભાજપના માણસ છે. જો
ભાજપ પર ખોટી અટકળો વહેતી કરવાનો આરોપ લગાવતા સિદ્ધરમૈયાએ કહ્યું કે, “કૉંગ્રેસ પક્ષ એકજૂટ છે અને આ સરકાર પાંચ વર્ષ સુધી પહાડની જેમ મજબૂત રહેશે. કોઈપણ ભાજપ પર વિશ્વાસ કરતું નથી. તે માત્ર ખોટું બોલે છે. તે ખોટું બોલવામાં નિપુણ છે. તેને સાચું બોલવાની ખબર નથી.”
ભાજપ અને જેડી(એસ)ની ગઠબંધનની ભૂતકાળની સરકારને આડે હાથ લેતા સિદ્ધારમૈયાએ સવાલ કર્યા કે, “સિંચાઈ, ગ્રામીણ વિકાસ, જાહેર બાંધકામો, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં રાજ્યના વિકાસ માટે તેમણે શું કામ કર્યું? તેમણે કંઈ કર્યું નહીં. તેઓ જૂઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
આપણ વાંચો: ‘સરકારને અફસોસ છે’ બેંગલુરુમાં થયેલી નાસભાગ વિષે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનું નિવેદન…
‘રોટેશનલ ચીફ મિનિસ્ટર ફોર્મ્યુલા’ના કારણે અટકળો
ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બે પૈકી કોણ મુખ્ય પ્રધાન બનશે એ પ્રશ્ન ઊભો થયો હતો. આખરે કૉંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને ડીકે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. એ સમયે એવી પણ વાત સામે આવી હતી કે, ‘રોટેશનલ ચીફ મિનિસ્ટર ફોર્મ્યુલા’ના આધારે બંને વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું. જોકે તેની કૉંગ્રેસ દ્વારા સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નહોતી.