સિદ્ધારમૈયાના નજીકના લોકોએ DK શિવકુમાર સામે ખોલ્યો મોરચો , કરી ત્રણ ડે. સીએમની માગ
બેંગલૂરુઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં વધુ ત્રણ ડેપ્યુટી સીએમ બનાવવાની માગ ઉઠી છે, જે જોતા એમ લાગે છે કે કર્ણાટક કોંગ્રેસ રાજસ્થાનના રસ્તે જઇ રહ્યું છે.
હાલમાં રાજ્યના સીએમ સિદ્ધારમૈયા છે અને ડી કે શિવકુમાર તેમની સાથે ડેપ્યુટી સીએમ તરીકે કામ કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં વધુ ત્રણ નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ બુધવારે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વધુ ત્રણ નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગ ઉપર કોંગ્રેસ હાઈ કમાન્ડનો નિર્ણય અંતિમ રહેશે. હકીકતમાં રાજ્યના કેટલાક પ્રધાનો વીર લિંગાયત અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમુદાયના નેતાઓને નાયબ મુખ્યપ્રધાન પદ આપવાની હિમાયત કરી રહ્યા છે
હાલમાં ડી કે શિવકુમાર નાયબ મુખ્યપ્રધાન છે અને તેઓ વોક્કાલિગા સમુદાયના છે. એક સવાલના જવાબમાં સિદ્ધારમૈયાએ મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઇ કમાન્ડ જે પણ નિર્ણય લેશે તે અંતિમ રહેશે. કોંગ્રેસની અંદરનો એક વર્ગ એવું માને છે તે ત્રણ વધુ નાયબ મુખ્યપ્રધાનોની નિમણૂકની માગ કરતા પ્રધાનોનો હેતુ શિવ કુમારને નિયંત્રણમાં રાખવાનો હોઈ શકે છે. એવી ચર્ચા છે કે શિવકુમાર સરકારના અઢી વર્ષના કાર્યકાળ બાદ મુખ્યપ્રધાન પદની માગ કરી શકે છે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ Draupadi Murmu એ NEET-NET પેપર લીક મુદ્દે કહ્યું, દોષિતોને કડકમાં કડક સજા થશે
2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના દમ પર સરકાર બનાવી હતી, ત્યાર બાદ દિલ્હીમાં સરકાર રચવાને લઈને ભારે હોબાળો થયો હતો. અંતે કોંગ્રેસ હાઈકમાન્ડ કર્ણાટકમાં રાજસ્થાન જેવી ફોર્મ્યુલા લઈને આવ્યું હતું. આ ફોર્મ્યુલા હેઠળ શક્તિશાળી નેતા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ડેપ્યુટી સીએમની સાથે શિવકુમારને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી પણ સોંપવામાં આવી છે. કોંગ્રેસે 2018માં રાજસ્થાનમાં પણ આવી જ ફોર્મ્યુલા અપનાવી હતી અને અશોક ગેહલોતને મુખ્ય પ્રધાન જ્યારે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષનું પદ સોંપ્યું હતું.
જોકે, કેટલાક પ્રધાનો દ્વારા શિવકુમાર સામે મોરચો ખોલવાના અન્ય પણ કેટલાક કારણો છે. શિવકુમારનો ગઢ બેંગલુરુ ગણાય છે. લોકસભાની ચૂંટણીમાં શિવકુમાર સારું પ્રદર્શન કરી શક્યા નથી. બેંગલુરુમાં કોંગ્રેસ પાર્ટીએ તમામ બેઠકો ગુમાવી છે. ડીકે શિવકુમારના ભાઇ પણ બેંગલૂરુમાંથી ચૂંટણી હારી ગયા છે શિવકુમારની નજીકના રામલિંગા રેડ્ડીની પુત્રી સૌમ્યા પણ બેંગલૂરુથી હારી ગઇ છે. કૉંગ્રેસનો સાવ રકાસ થયો છે.