પત્રકારોના બહિષ્કાર મામલે સિદ્ધરમૈયાએ કર્યો પલટવારઃ જાણો શું કહ્યું

કૉંગ્રેસ સહિતના INDIA ગઠબંધનના સાથી પક્ષોએ 14 મીડિયા એન્કરોના ન્યૂઝ શૉમાં તેમના પ્રતિનિધિઓને ન મોકલવાનો નિર્ણય લીધો છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સતત આ મામલે INDIA ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે કર્ણાટકના કૉંગ્રેસના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા આ વિવાદમાં કૂદી પડ્યા છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સામે વાર કર્યો હતો.
સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા એક્સ પર જે.પી.નડ્ડાને ટાંકીને લખ્યું કે વડાપ્રધાન મોદીએ છેલ્લા 10 વર્ષોમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન યોજીને દરેક ભારતીય પત્રકારનો બહિષ્કાર કર્યો છે. આટલું જ નહીં કોંગ્રેસ નેતાએ આગળ લખ્યું કે 14 એન્કર્સનો બહિષ્કાર કરવામાં ખોટું શું છે? આ લોકોએ એક રાજકીય પક્ષના મુખપત્ર બની મીડિયાની નૈતિકતા સાથે જ સમજૂતી કરી લીધી છે.
અગાઉ INDIA ગઠબંધનની ટીકા કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે ન્યૂઝ એન્કરોની આ રીતે યાદી જાહેર કરવી નાજીઓની કામ કરવાની રીત છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે તે વિપક્ષી દળોનું ગઠબંધન 9 ચેનલોના 14 એન્કરોનો બહિષ્કાર કરી મીડિયાને ડરાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હજુ પણ આ પાર્ટીઓની માનસિકતા ઈમરજન્સીના સમયની છે.
તેમણે ટ્વીટ કરી ભાજપના શાસનમાં પત્રકારો સામે થયેલી કાર્યવાહી તેમ જ પત્રકારોની હત્યાનો મામલો પણ છેડ્યો છે.