કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને જમીન કૌભાંડમાં મળી મોટી રાહત, લોકાયુક્તે શું કહ્યું?

બેંગલુરુ: મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) સાથે સંકળાયેલા કથિત જમીન કૌભાંડમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, તેમની પત્ની અને અન્ય લોકોને મોટી રાહત મળી છે. કર્ણાટક લોકાયુક્તે સિદ્ધારમૈયા અને તેમની પત્નીને આ કૌભાંડના કેસમાં ક્લીનચીટ આપી દીધી છે. આ કેસમાં માત્ર સિદ્ધારમૈયા ઉપરાંત તેમની પત્ની પાર્વતી, તેમના ભાઈ મલ્લિકાર્જુન અને અન્ય લોકો વિરુદ્ધ પણ FIR દાખલ કરવામાં આવી હતી.
Also read : જ્ઞાનેશ કુમારે સીઈસી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, મતદારોની કરી મોટી અપીલ
તપાસમાં કોઈ પુરાવા ન મળ્યા
લોકાયુક્ત પોલીસે બુધવારે જણાવ્યું હતું કે MUDA કેસમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, તેમની પત્ની અને અન્ય લોકો વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. તપાસ માટેનો અંતિમ અહેવાલ સુપરત કર્યાના લગભગ એક અઠવાડિયા બાદ લોકાયુક્ત પોલીસનું આ નિવેદન આવ્યું છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને તેમના પરિવાર સાથે સંકળાયેલા મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) સ્થળ ફાળવણી કેસમાં 138 દિવસની તપાસ બાદ આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
100થી વધુ લોકોની પૂછપરછ
અત્રે ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં જન પ્રતિનિધિઓ માટેની વિશેષ અદાલતના નિર્દેશ બાદ સપ્ટેમ્બર 2024 માં લોકાયુક્ત તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં 100થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અમલદારો, રાજકારણીઓ, નિવૃત્ત અધિકારીઓ, MUDAના અધિકારીઓ અને સિદ્ધારમૈયા, તેમની પત્ની બીએમ પાર્વતી અને સાળા બીએમ મલ્લિકાર્જુન સ્વામી સહિતના લોકોનો સમાવેશ થાય છે.
Also read : કેરળમાં ફૂટબોલ મેચ પહેલા આતિશબાજી બની બેકાબુ: 30 થી વધુ ઘાયલ
કઈ કલમોનો સમાવેશ?
રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતે સિદ્ધારમૈયા સામે તપાસની મંજૂરી આપ્યા બાદ, વિશેષ અદાલતે ગયા વર્ષે સામાજિક કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાની અરજી પર સિદ્ધારમૈયા અને અન્ય ત્રણ લોકો સામે FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે રાજ્યપાલના નિર્ણયને માન્ય રાખ્યો હતો અને આ તપાસમાં IPC, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, બેનામી મિલકત વ્યવહારો પ્રતિબંધ અધિનિયમ અને કર્ણાટક જમીન કબજા પ્રતિબંધ અધિનિયમ હેઠળ કથિત ઉલ્લંઘનોને આવરી લેવામાં આવ્યા છે.