
લદાખ: સિયાચિન ગ્લેશિયરને દુનિયાનું સૌથી ઊંચુ યુદ્ધક્ષેત્ર કહેવાય છે. અહીંયા માઈનસ 60 ડિગ્રી તાપમાન હોય છે. ભારે ઠંડી હવાઓ અને હિમસ્ખલન જેવા જોખમો વચ્ચે અહીંયા ભારતીય સેનાના જવાનો તૈનાત રહે છે. જોકે, તાજેતરમાં અહીં હિમસ્ખલનની ઘટના સર્જાઈ છે. જેમાં ત્રણ જવાનો શહીદ થયા છે.
મહાર રેજિમેન્ટના જવાનો શહીદ
મીડિયા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આજે કારાકોરમ પર્વત શ્રેણીમાં 20,000 ફૂટ ઉંચાઈ પર આવેલા સિયાચીન ગ્લેશિયર ખાતે ભારતીય સેનાના કેટલાક જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. એવા સમયે બેઝકેમ્પ પાસે 12,000 ફૂટ ઉંચાઈ પર હિમસ્ખલન થયું હતું. જેમાં ત્રણ જવાન શહીદ થયા છે. આ ત્રણ જવાનો ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઝારખંડના વતની હોવાની પ્રાથમિક માહિતી છે. શહીદ થનાર ત્રણે જવાનો મહાર રેજીમેન્ટના હતા.
આ પણ વાંચો: લેફ્ટનન્ટ શશાંક તિવારીને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત: જાણો કઈ રીતે શહીદ થયા હતા?
જોકે, આ હિમસ્ખલનમાં હજુ પાંચ જવાનો ફસાયા છે. ભારતીય સેનાની રેસ્ક્યૂ ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. બચાવ કામગીરી માટે લેહ અને ઉધમપુરથી મદદ લેવાઈ રહી છે. અત્યારસુધીમાં રેસ્ક્યૂ ટીમે એક કેપ્ટનનો બચાવ કર્યો છે.
પ્રકૃતિના પડકારો વચ્ચે દેશની રક્ષા
ઉલ્લેખનીય છે કે, સિયાચીનમાં હિમસ્ખલન સામાન્ય વાત છે. આ હિમસ્ખલન ઉત્તર દિશા તરફના ગ્લેશિયરમાં થયું હતું. અહીં સૈનિકોને દુશ્મનોની સાથોસાથ પ્રકૃતિના પડકારોનો પણ સામનો કરવો પડે છે. 1984માં ઓપરેશન મેઘદૂત બાદ ભારતે સિયાચીન પર પોતાનો કબ્જો કાયમ રાખ્યો છે. ત્યારથી લઈને અત્યારસુધી અહીં ફરજ બજાવતા 1000થી વધુ જવાનો હવામાનને કારણે શહીદ થઈ ચૂક્યા છે.