શ્યામાપ્રસાદ મુખરજીની મુસ્લિમ લીગ સાથેની યુતી, અડવાણીએ પાકની મુલાકાત અને ઝીણાની પ્રશંસા કરી હતી, કોંગ્રેસનો પલટ વાર
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર એમ કહીને પ્રહારો કર્યા હતા કે તેના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગનો જ પ્રભાવ જોવા મળે છે. તેમના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમોના વિકાસ માટેની જ વાતો છે. આ પછી કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીએ ઝીણાની મુસ્લિમ લીગ સાથે હાથ મેળવ્યા હતા. કોંગ્રેસે ક્યારે સમાધાન કર્યું નથી. તેમણે કહ્યું હતું કે ઝીણાના સમર્થકો ભાજપના નેતાઓ છે. લાલકૃષ્ણ અડવાણી અને જશવંત સિંહે પણ પાકિસ્તાન જોઈને ઝીણાના વખાણ કર્યા હતા.
વડાપ્રધાનની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપતા જયરામ રમેશે જણાવ્યું હતું કે વડાપ્રધાનને તેમના જ ઈતિહાસની ખબર નથી. હકીકતમાં હિન્દુ મહાસભાના પ્રમુખ શ્યામાપ્રસાદ મુખરજી જ બંગાળમાં મુસ્લિમ લીગ સાથે હાથ મેળવીને ગઠબંધન સરકારમાં રહ્યા હતા. હિન્દુ મહાસભા સિંધ અને ઉત્તર પશ્ચિમની સરહદી પ્રાંતમાં મુસ્લિમ લીગ સાથે જોડાણમાં હતી. કોંગ્રેસ નહીં, પરંતુ ભાજપ જ ભાગલાની રાજનીતિમાં માને છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે આઝાદી માટે લડનારી કોંગ્રેસ દાયકાઓ પહેલા જ ખતમ થઈ ગઈ છે. જે કોંગ્રેસ હવે રહી ગઈ છે તેની પાસે ન તો દેશના હિત માટેની કોઈ નીતિઓ છે કે ના તો રાષ્ટ્રનિર્માણ માટેનું કોઈ વિઝન છે. કોંગ્રેસ દ્વારા જે પ્રકારનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે તેનાથી એ સાબિત થઈ ગયું છે કે આજની કોંગ્રેસ આજના ભારતની આશાઓ અને આકાંક્ષાઓથી સંપૂર્ણપણે અલગ થઈ ગઇ છે. સ્વતંત્રતા સમયે મુસ્લિમ લીગના જેવા વિચાર હતા એવા જ વિચાર કોંગ્રેસના ઢંઢેરામાં પ્રતિબિંબ થાય છે.
પીએમ મોદી એમ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સ્થિતિ એવી છે કે તેમને દર કલાકે પોતાના ઉમેદવારો બદલવા પડે છે. જ્યારે કોંગ્રેસની સ્થિતિ તો એનાથી પણ વિચિત્ર છે. તેમને તો ઉમેદવારો જ નથી મળી રહ્યા. કોંગ્રેસ જે સીટોને પોતાનો ગઢ માનતી હતી ત્યાં પણ તે પોતાના ઉમેદવાર અને ઊભા રાખવાની હિંમત દેખાડી શકતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈશારો રાયબરેલી અને અમેઠીની બેઠક તરફ હતો. મોદીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન અસ્થિરતા અને અનિશ્ચિતતાણું બીજું નામ છે. અને તેથી જ આજે દેશ તેમની એક પણ વાતને ગંભીરતાથી લેતો નથી. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનું નામ લીધા વિના મોદીએ કહ્યું હતું કે તમને યાદ હશે ઉત્તર પ્રદેશમાં આ લોકોએ બે છોકરાઓની ફિલ્મ ફરી રિલીઝ કરી છે, જે ગયા વખતે ફ્લોપ થઈ હતી.