શુભાંશુ શુક્લાની ISSથી વાપસીમાં વિલંબ! યુરોપિયન સ્પેસ એજન્સીએ કર્યો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા Axiom-4 મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર 12 દિવસથી છે. આ મિશન 25 જૂન 2025ના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી SpaceXના ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ થયું હતું. અત્યાર સુધી શુભાંશુ અને તેમના અંતરિક્ષ યાત્રી સાથીઓ 10 જુલાઈના પૃથ્વી પર પરત ફરી શકે છે તેવી સંભાવના સેવાઈ રહી હતી. પરંતુ એક યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા એવું પૂર્વાનુમાન કરવામાં આવ્યુ છે કે આ સમયમાં ત્રણથી ચાર દિવસનો વિલંબ થઈ શકે છે.
વાપસીમાં વિલંબ!
શુભાંશુ શુક્લા અને Axiom-4 ટીમ SpaceXના ડ્રેગન કેપ્સ્યુલ ‘ગ્રેસ’ દ્વારા ફ્લોરિડા નજીક એટલાન્ટિક મહાસાગર અથવા મેક્સિકોની ખાડીમાં સ્પ્લેશડાઉન કરશે. જોકે, ફ્લોરિડા તટ પર ખરાબ હવામાન, જેમ કે તોફાન, ભારે વરસાદ કે તીવ્ર પવન, સ્પ્લેશડાઉન માટે જોખમી હોઈ શકે છે. તાજેતરમાં ISS ના રશિયન ઝવેઝદા મોડ્યુલમાં પ્રેશર લીક (એર લીક) ની સમસ્યા જોવા મળી હતી. નાસા અને રશિયાની અવકાશ એજન્સી રોસકોસ્મોસે તેનું સમારકામ કર્યું, પરંતુ સમારકામ પછી ફરી એક વાર હવા લીક થવાની સમસ્યા સર્જાઈ હતી.
વાપસીની પ્રક્રિયા
ઉલ્લેખનીય છે કે, Axiom-4 ટીમની વાપસી જટિલ પ્રક્રિયા છે. સૌપ્રથમ, ક્રૂ તમામ પ્રયોગો પૂર્ણ કરીને ડેટા, મેથી-મગનાં બીજ જેવા નમૂનાઓ કેપ્સ્યુલમાં પેક કરશે. ત્યારબાદ, તબીબી તપાસ બાદ ડ્રેગન કેપ્સ્યુલ ISSથી અલગ થશે. આ પ્રક્રિયા ઓટોમેટિક હોય છે, જે નાસા અને SpaceX દ્વારા મોનિટર થાય છે. કેપ્સ્યુલ 28,000 કિમી/કલાકની ઝડપે વાયુમંડળમાં પ્રવેશે છે, જ્યાં હીટ શીલ્ડ 2000°Cનું તાપમાન સહન કરે છે. પેરાશૂટ દ્વારા ગતિ ઘટાડીને કેપ્સ્યુલ સમુદ્રમાં સ્પ્લેશડાઉન થશે.
શુભાંશુનું યોગદાન અને અન્ય પડકારો
શુભાંશુએ ISS પર 60 પ્રયોગો કર્યા, જેમાં ISROના 7 અને ISRO-નાસાના સહયોગી 5 પ્રયોગોનો સમાવેશ થાય છે. જેમાં મેથી-મગનાં બીજ ઉગાડવા, માઇક્રોએલ્ગી અને સ્ટેમ સેલ અભ્યાસનો સમાવેશ થાય છે. જો વિલંબ વધે, તો ક્રૂ ISS પર વધુ દિવસ રહેશે, જેના માટે ખોરાક અને ઓક્સિજનનો પૂરતો પુરવઠો છે. નાસા અને ISRO ક્રૂની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે.
આ પણ વાંચો…શુભાંશુ શુક્લા સ્પેસમાં બન્યા ‘ખેડૂત’! ISS પર ઉગાડ્યા મગ-મેથીના બીજ