શુભાંશુ શુક્લાની અવકાશમાંથી ધરતી પર વાપસી: જાણો સંપૂર્ણ પ્રક્રિયા

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા, જેઓ એક્સિયમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ગયા છે. તેઓ આગામી 15 જુલાઈ, 2025ના રોજ પૃથ્વી પર પરત ફરશે. આ વાતની પુષ્ટી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કરી હતી. તેમણે જણાવ્યું કે, 14 જુલાઈએ સાંજે 4:30 કલાકે અન ડૉકિંગ થશે અને 15 જુલાઈએ બપોરે 3:00 વાગ્યે કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરશે. આ ઐતિહાસિક મિશન ભારતના અવકાશ કાર્યક્રમ માટે મહત્વનું છે.
પ્રક્રિયા પછી ધીમે ધીમે પૃથ્વી તરફ આગળ વધશે
શુભાંશુ શુક્લા સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં ISSથી 14 જુલાઈએ અનડૉક થશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વચાલિત હશે, જોકે ક્રૂ તેનું નિરીક્ષણ કરશે. અનડૉકિંગ બાદ યાન ધીમે-ધીમે પૃથ્વી તરફ આગળ વધશે. રીટ્રોગ્રેડ બર્ન નામની રૉકેટ ફાયરિંગ પ્રક્રિયા યાનની ગતિ ઘટાડશે, જેથી તે સરળતાથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં પ્રવેશી શકે.
આપણ વાંચો: શુભાંશુ શુક્લા આ તારીખે અવકાશથી પૃથ્વી પર પરત ફરશે! નાસાએ આપી જાણકારી…
વાયુમંડળમાં પ્રવેશતા ગરમી-ઘર્ષણનો સામનો કરશે
ક્રૂ ડ્રેગન યાન પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતી વખતે 28,000 કિમી/કલાકની ઝડપે તીવ્ર ગરમી અને ઘર્ષણનો સામનો કરશે. જે બાદ યાનની ગતિ ધીમે-ધીમે ઘટશે. પહેલા નાના પેરાશૂટ ખુલશે જેના પછી મુખ્ય પેરાશૂટ ખુલશે, જે યાનની ગતિને 24 કિમી/કલાક સુધી ઘટાડી સુરક્ષિત ઉતરાણની ખાતરી આપશે.
આપણ વાંચો: શુભાંશુ શુક્લાની ISSથી વાપસીમાં વિલંબ! યુરોપિયન સ્પેસ એજન્સીએ કર્યો ચોંકાવનારો દાવો
શુક્લા 60થી વધુ પ્રયોગનો ડેટા લઈને પરત ફરશે
નાસાના જણાવ્યા મુજબ યાન કેલિફોર્નિયાના દરિયાકાંઠે સમુદ્રમાં ઉતરશે. સ્પેસએક્સની રિકવરી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કૅપ્સ્યૂલને જહાજ પર લઈ જશે અને ક્રૂને બહાર કાઢશે. ઉલ્લેખનીય છે કે, શુક્લા 263 કિલો વૈજ્ઞાનિક સામગ્રી અને 60થી વધુ પ્રયોગનો ડેટા લઈને પરત ફરશે.
ઉલ્લેખનીય છે કે ISSથી અનડૉકિંગથી લઈને સમુદ્રમાં ઉતરાણ સુધીની પ્રક્રિયામાં 12થી 16 કલાક લાગશે. ઉતરાણ બાદ શુક્લા અને અન્ય ક્રૂ સભ્યો લગભગ સાત દિવસના પુનર્વાસ કાર્યક્રમમાંથી પસાર થશે, જેમાં ફ્લાઈટ સર્જન્સ તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરશે.