શુભાંશુની ‘વાપસી’ પર ભાવુક થયા માતા-પિતા, કહ્યું મોટા મિશનથી પરત ફર્યો દીકરો…

લખનઉ: ભારતનું ગૌરવ એવા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 18 દિવસ વિતાવ્યા બાદ સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે ધરતી પર પાછા ફર્યા છે. તેમની આ સફળતાથી સમગ્ર વિશ્વ અને ભારત દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ ક્ષણે શુભાંશુ શુક્લાનો પરિવારે કેક કાપીને આનંદની લાગણી વ્યક્ત કરી છે.
માતાએ કહ્યું દીકરાએ મોટું મિશન પૂરૂ કર્યું
દીકરાની સફળતાની ખુશી સૌપ્રથમ તેના માતા-પિતાને થાય છે. શુભાંશુ શુક્લાના માતા-પિતા આજે પોતાના દીકરા પર ગર્વ કરી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા શુભાંશુ શુક્લાના પિતા શંભુ દયાળ શુક્લાએ જણાવ્યું કે, “જેણે અમારા દીકરાને આશીર્વાદ આપ્યા, એ દરેકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. તેના મિશનની સફળતા બાદ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ બની ગયો છે.”
આ પણ વાંચો: શુભાંશુ શુક્લા અંતરિક્ષમાંથી સુરક્ષિત પરત ફરતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી…
સલામત લેન્ડિંગ કરે એની જ કરી પ્રાર્થના
દીકરાના હેમખેમ પાછા ફરવા અંગે જણાવતા માતા આશા શુક્લા ભાવુક થયા હતા. તેમણે કહ્યું હતું કે, “આંખોમાં આંસુ આવે એ સ્વભાવિક છે. તે કેવી રીતે ગયો અને કેવી રીતે આવ્યો, આ બધું જોવું એ એક મોટી વાત હતી. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરતી રહેતી હતી કે, સલામત રીતે લેન્ડિંગ થઈ જાય. હવે મારો ભય દૂર થઈ ગયો છે. દીકરો ઘણું મોટું મિશન પુરૂ કરીને પાછો આવ્યો છે.”
દોઢ વર્ષથી પરિવારથી દૂર હતા શુભાંશુ શુક્લા
શુભાંશુ શુક્લાની બહેને જણાવ્યું હતું કે, “મિશન 18 દિવસ સુધી ચાલ્યું, પરંતુ અમે શુભાંશુને છેલ્લા દોઢ વર્ષથી મળ્યા નથી. અમે તેના ચહેરા પર જીતનું સ્મિત આવે તેની રાહ જોઈ રહ્યા હતા. આખરે અમને તે જોવા મળી ગયું.”
આ પણ વાંચો: શુભાંશુ શુક્લાના અવકાશયાને કર્યું સફળતાપૂર્વક લેન્ડિંગ, અવકાશમાંથી લાવ્યા મહત્ત્વપૂર્ણ વસ્તુઓ…
કરોડો દેશવાસીઓ માટે પ્રેરણારુપ શુભાંશુ શુક્લા
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશ શુભાંશુ શુક્લાને શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભાંશુ શુક્લાને એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છાઓ પાઠવતા લખ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે, તેમણે તેમના સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવના દ્વારા અબજો સપનાઓને પ્રેરણા આપી છે.