
નવી દિલ્હી : 2022ના વર્ષે ખૂબ જ ચર્ચામાં રહેલ શ્રદ્ધા વાલ્કર હત્યાકાંડને (Shraddha Walker murder case) લઈને મહત્વના સમાચાર આવ્યા છે. શ્રદ્ધા હત્યા કેસને લઈને દિલ્હી પોલીસે એક નવી પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, નવી દાખલ કરેલી 3000 પાનાની આ ચાર્જશીટમાં ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાઓને ઉમેરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સાકેત કોર્ટમાં મેજિસ્ટ્રેટ શુક્લાને આ ચાર્જશીટ રજૂ કરી હતી.
નવી દાખલ કરાયેલ ચાર્જશીટમાં ડિજિટલ પુરવાઓમાં આરોપી આફતાબ પૂનાવાલાની સર્ચ હિસ્ટ્રી અને ગૂગલ લોકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસનું માનવું છે કે આરોપીની ગુગલ લોકેશન હિસ્ટ્રી એ તમામ સ્થળો સાથે મેચ થાય છે કે જ્યાં કથિત રીતે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ ફેંકવામાં આવ્યા હતા.
ચાર્જશીટમાં દાખલ કરાયેલ ડિજિટલ પુરાવાઓમાં શ્રદ્ધાના ફોનની હિસ્ટ્રી, તેનું લોકેશન અને આફતાબને પૂછપરછમાં બોલાવાયા બાદ ગાયબ કરવામાં આવેલ પુરાવાઓની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્ટમાં આરોપી આફતાબ પર હત્યા અને પુરાવાઓ ગાયબ કરવાના આરોપો લાગ્યાના એક વર્ષ બાદ આ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
કોર્ટે પ્રથમ દ્રષ્ટિમાં જ આ કેસને ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 302 અને 301 મુજબ આફતાબ વિરુદ્ધ ગુનો ગણ્યો હતો. જ્યારે આફતાબે પોતે નિર્દોષ હોવાનો પક્ષ રજૂ કર્યો હતો.
શ્રદ્ધા વાલ્કર એક 27 વર્ષીય મહિલા હતી કે જેની હત્યા તેના 28 વર્ષીય બોયફ્રેન્ડ અને લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ 18 મે 2022ના રોજ દિલ્હીમાં કરી હતી. શ્રદ્ધા વાલ્કરના પિતાએ આફતાબ પર લવ જેહાદનો આરોપ મૂક્યો હતો. આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી બાદમાં તેના ટુકડાઓ કરીને ફેંકી દીધા હતા.
Also Read –