દિલ્હીમાં કૉંગ્રેસનું ફરી નહીં ખૂલે ખાતું? જાણો શું છે લેટેસ્ટ ટ્રેન્ડ

નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે. ચૂંટણી પંચની વેબસાઈટ પ્રમાણે ભાજપ 40 બેઠક, આપ 30 બેઠક પર આગળ છે. વલણ પરથી દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે તે સ્પષ્ટ થઈ ગયું છે. કૉંગ્રેસને આ વખતે પણ નિરાશા હાથ લાગી છે. કૉંગ્રેસનું દિલ્હીમાં ખાતું પણ ખૂલે તેમ લાગતું નથી.

દિલ્હીથી આખો દેશ 60 વર્ષ સુધી ચલાવનારી કૉંગ્રેસ આજે આવી રહેલા દિલ્હી વિધાનસભાના પરિણામોમાં ક્યાંય દેખાતી નથી. સતત 15 વર્ષ સુધી શીલા દીક્ષિતે દિલ્હી પર કૉંગ્રેસના શાસનની બાગડોર સંભાળી હતી. કેન્દ્રમાં અને દિલ્હીમાં એક જ પક્ષની સરકાર હોવાથી બન્નેને ઘણો ફાયદો થયો હતો, પરંતુ 2014 બાદ કૉંગ્રેસ દિલ્હીમાં પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહી છે. કેન્દ્રમાં અને રાજ્યોમાં સતત હારતી કૉંગ્રેસે ફરી માત્ર કારમી હાર નહીં પણ નાલેશીભરી સ્થિતિમાં મૂકાવું પડશે તેમ સ્પષ્ટ જણાય છે.
દિલ્હીમાં કેટલું થયું હતું મતદાન
ચૂંટણી પંચ અનુસાર દિલ્હીમાં કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.