સુખનો પાસવર્ડ: ઉંમર આપણને ‘કેદ’ કરી રાખે કે આપણે ઉંમરને ‘કેદ’ કરવી?

-આશુ પટેલ
થોડા દિવસો અગાઉ એક રેસ્ટોરાંમાં 94 વર્ષના રમાબહેન રાજાણી સાથે મુલાકાત થઈ ગઈ. રમાબહેન એમનાં સંતાનો સાથે નાઈજીરિયામાં રહે છે. પોરબંદરના વતની રમાબહેન નાની ઉંમરથી જ કુટુંબ સાથે વિદેશમાં સ્થાયી થયાં હતાં. હું એક મિત્ર સાથે જૂહુની એક રેસ્ટોરાંમાં ગયો ત્યારે રમાબહેન એમના 72 વર્ષીય પુત્ર નીતિનભાઈ અને 76 વર્ષીય પુત્રી સાથે ડિનર માટે એ જ રેસ્ટોરાંમાં આવ્યાં હતાં.
પુત્ર નીતિનભાઈએ કહ્યું કે ‘અમે દર વર્ષે બાનું મેડિકલ ચેકઅપ કરાવવા મુંબઈ આવીએ છીએ. થોડા દિવસ મુંબઈ અને ગુજરાતમાં ફરતા પણ જઈએ છીએ.’ રમાબહેને પુત્ર અને પુત્રી સાથે ડિનર માણ્યું. અને પછી એ ત્રણેએ આઈસક્રીમ પણ ખાધો. ‘94 વર્ષની ઉંમરે આટલા તંદુરસ્ત કઈ રીતે રહી શકો છો?’ એવો સવાલ સ્વાભાવિક રીતે મેં એમને કર્યો ત્યારે એ હસી પડ્યાં. એમણે કહ્યું, ‘બેટા, જે કંઈ છે એ મનનું છે અને હું સારા વિચારો સાથે જીવું છું એટલે આ ઉંમરે પણ તંદુરસ્ત છું.’
વાતવાતમાં એમણે કહ્યું કે ‘અમારા વડીલોએ વતનની બાજુમાં આદિત્યાણા ગામમાં એક હવેલી પણ બનાવી છે.’
મારી સાથે મારા મિત્ર પરેશ બઉઆ હતા એમની બેગમાં ભાગવદ ગીતાનું એક નાનકડું પુસ્તક હતું એ એમણે રમાબહેનને ભેટરૂપે આપ્યું એટલે રમાબહેન ખુશ થઈ ગયાં. પછી તો અમે વાતોએ વળગ્યાં.
રમાબહેનને જોઈને મને થયું કે લોકો જિંદગી પ્રત્યે બહુ ફરિયાદો ન રાખે અને સકારાત્મક અભિગમ સાથે જીવે અને પોતાની ઉંમરને પોતાના જીવન પર હાવી ન થવા દે તો ગમે એટલી ઉંમરે પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માણી શકે.
થોડા દિવસો અગાઉ જ એક જૂના મિત્રએ 85 વર્ષીય બિરજુ મહારાજ અને 53 વર્ષીય અભિનેત્રી માધુરી દીક્ષિતનો એક વીડિયો મોકલ્યો હતો. એ વીડિયોમાં માધુરી દીક્ષિત ‘પિયા તોસે નૈના લાગે રે…’ ગીત પર અદ્ભુત નૃત્ય કરે છે અને પછી બિરજુ મહારાજ પણ માધુરી દીક્ષિત સાથે નૃત્યમાં જોડાય છે અને આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી સ્ફુર્તિથી બિરજુ મહારાજ માધુરી સાથે નૃત્ય કરે છે. જો બિરજુ મહારાજે પોતાની ઉંમર સ્વીકારી લીધી હોત તો એ આ ઉંમરે સક્રિય ન રહી શક્યા હોત અને 85 વર્ષની ઉંમર વટાવી ગયા પછી આટલી સ્ફુર્તિથી નૃત્ય ન કરી શકતા હોત!
ઘણા લોકો જીવનના 50 વર્ષ પૂરા કરે પછી બોલતા થઈ જાય કે ‘હવે તો ઉંમર થઈ ગઈ, હવે વનપ્રવેશ થઈ ગયો કે હવે તો નિવૃત્ત થવાનો સમય નજીક આવી ગયો.’ એવા લોકો સ્વાભાવિક રીતે સ્ફુર્તિભેર કશી પ્રવૃત્તિઓ તો ન કરી શકે, પણ એમની આજુબાજુના લોકોને પણ નિરાશાજનક વિચારો તરફ પ્રેરે.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : તમે કોઈના માટે ‘સુખનો પાસવર્ડ’ બની શકો છો
માણસ મનથી પોતાની ઉંમરને પોતાના જીવન પર વર્ચસ ન જમાવવા દે તો કેવી રીતે જીવી શકે એના ઘણાં દ્રષ્ટાંતો આપણી સામે છે. ગઈ સદીના વિખ્યાત અભિનેતા દેવ આનંદ જીવનના નવમા દાયકામાં પણ અત્યંત સ્ફુર્તિ સાથે કામ કરતા કે જોવા મળતા હતા. એક વાર મુંબઈ એરપોર્ટ પર દેવસા’બ મને મળી ગયા. એ વખતે ઈર્ષા જાગે એવી યુવાન કરતાં પણ બમણી ઝડપથી એ સડસડાટ ચાલી રહ્યા હતા.!
આવો જ કિસ્સો વિખ્યાત લેખક કાન્તિ ભટ્ટનો છે. કાન્તિભાઈએ 89મા વર્ષમાં પ્રવેશ કર્યો પછી ટૂંકી બીમારી બાદ એમનું અવસાન થયું હતું, પરંતુ એમનાં મૃત્યુના 48 કલાક અગાઉ સુધી એ સક્રિય રહ્યા હતા અને એમની કોલમનો લેખ પણ એ દિવસે એમણે લખ્યો હતો.!
વર્ષો અગાઉ હું એકવાર કાન્તિભાઈ સાથે નરિમાન પોઇન્ટના ‘દલામલ ટાવર’માં ગયો હતો. એ વખતે જ ઈલેક્ટ્રિસિટી જતી રહી એટલે બીજા બધા લિફ્ટ પાસે મોં વકાસીને ઊભા હતા. એ વખતે કાન્તિભાઈ મારો હાથ ખેંચીને કહ્યું, ‘ચાલ, તેર જ માળ ચડવાના છે ને!’ અને એ સડસડાટ તેર માળ ચડી ગયા ત્યારે એમની આયુ હતી ‘માત્ર’ 65 વર્ષ !.
વર્ષો અગાઉ એક જાહેરાત આવતી હતી, જેમાં મુંબઈના રસ્તા પર એક યુવાન ‘બેસ્ટ’ની ડબલડેકર બસ પકડવા માટે હાંફતા-હાંફતા દોડી રહ્યો હોય છે એ વખતે એ બસના દરવાજે સળિયો પકડીને ઊભેલો એક વૃદ્ધ માણસ પેલા તરફ હાથ લંબાવે છે અને એને બસમાં ખેંચી લે છે. એ પછી સ્ક્રીન પર શબ્દો આવતા હતા કે ‘બીસ સાલ કા બુઢ્ઢા યા સાઠ સાલ કા જવાન!’
વીસ- ત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમરે વૃદ્ધ થઈ જવું છે કે સિત્તેર, એંસી કે નેવું વર્ષની ઉંમરે પણ યુવાન રહેવું છે એ આપણા વિચારો પર આધાર રાખે છે.
અમેરિકામાં 95 વર્ષીય ગુજરાતી મહિલા લક્ષ્મીબહેન આ ઉંમરે પણ કાર ચલાવીને એકલા જતાં હોય છે. એવી રીતે ન્યૂજર્સીમાં 93 વર્ષીય ગુજરાતી બિઝનેસમેન એચ.કે શાહના મને લંચ પર લઈ ગયા ત્યારે વાતો કરતી વખતે ખબર પડી કે એમની ઉંમર આટલી મોટી છે એટલે મેં આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું તો એમનાં પત્નીએ કહ્યું કે ‘એ તો આ ઉંમરે પણ જાતે કાર ચલાવીને ઓફિસે જાય છે.’ એમનાં પત્ની પણ અત્યંત સ્ફૂર્તિલા હતાં. અમે મળ્યા એ વખતે અમારા કોમન ફ્રેન્ડ નીતિનભાઈ સાથે હતા. નીતિનભાઈની ઉંમર પણ 70 વર્ષની છે એ મને ત્યારે ખબર પડી હતી!
ઉંમર આપણાને ‘કેદ’ કરે કે આપણે ઉંમરને ‘કેદ’ કરી એના પર હાવી થવું? આ સવાલનો જવાબ આપણા વિચારો પર આધાર રાખે છે. ઘણા માણસો યુવાન હોય છતાં પણ મરતા-મરતા કામ કરતા હોય એવું લાગે અને ઘણા વૃદ્ધ (અને ઘણા તો વયોવૃદ્ધ!) માણસો ગજબની સ્ફુર્તિ સાથે જીવતા હોય છે.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : આ હાથવગું સાધન માનવ સંબંધમાં ઊભી તિરાડ પાડી રહ્યું છે…