બેંગકોકના શોપિંગ મોલમાં ગોળીબાર: ત્રણનાં મોત
બેંગકોક: થાઇલેન્ડની રાજધાનીના મધ્ય ભાગમાં એક મુખ્ય શોપિંગ મોલમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અને છ ઘાયલ થયા હતા. જ્યારે એકની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પ્રવક્તા આર્ચેયોન ક્રેથોંગે પત્રકારોને જણાવ્યું હતું કે, સિયામ પેરાગોન મોલમાં ગોળીબાર બાદ એક શકમંદની અટકાયત કરવામાં આવી છે. હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બેંગકોકના ઇમરજન્સી મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર યુથ્થાના સ્ત્રેથાનને જણાવ્યું હતું કે, ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને છ ઘાયલ થયા હતા. થાઇલેન્ડમાં ગોળીબારના બનાવો સામાન્યો છે, જો કે સામૂહિક ગોળીબારની ઘટનાઓ બહુ જોવા મળતી નથી.
નોંધનીય છે કે, છઠ્ઠી ઑક્ટોબર, 2022ના રોજ ગ્રામીણ ડે કેર સેન્ટરમાં ગોળીબાર અને છરીના હુમલામાં 36 લોકો માર્યા ગયા હતા. જેમાં મોટાભાગના પ્રિસ્કૂલના બાળકો હતા. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવાને આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આ ઘટના બની હતી. આ અગાઉ 2020માં એક સૈનિક દ્વારા મોલ અને તેની આસપાસ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 29 લોકો માર્યા ગયા હતા.