ભાજપને આંચકો! રાજસ્થાનમાં લેડી યોગી તરીકે જાણીતા સાધ્વી અનાદી સરસ્વતીનો કોંગ્રેસમાં પ્રવેશ | મુંબઈ સમાચાર

ભાજપને આંચકો! રાજસ્થાનમાં લેડી યોગી તરીકે જાણીતા સાધ્વી અનાદી સરસ્વતીનો કોંગ્રેસમાં પ્રવેશ

જયપુર: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગૂ ફૂંકાઇ ગયું છે. હાલમાં સત્તાધારી કોંગ્રેસ સહિત તમામ પક્ષો દ્વારા પ્રચાર સભાનું આયોજન મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. દરમિયાન કોંગ્રેસમાં ભાજપના વધુ એક નેતાએ પ્રવેશ કર્યો છે. ભાજપના નેતા સાધ્વી અનાદી સરસ્વતીએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને રાજ્યના પ્રભારી સુખજિંદર સિંગ રંધાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. સાધ્વી અનાદી સરસ્વતીનું સાચુ નામ મમતા કલાની છે, જેઓ સિંધી સમાજમાંથી આવે છે.

અજમેર ઉત્તર મતદારસંઘમાંથી ભાજપના જિગ્ગજ નેતા વાસુદેવ દેવનાનીની સામે કોંગ્રેસ મમતા કલાનીને મેદાનમાં ઉતારશે તેમ કહેવાઇ રહ્યું છે. તેઓ સ્વતંત્રતા સૈનિક હેમુ કલાનીના પરિવારના સભ્ય છે. ઉપરાંત રાજ્યના લેડી યોગી તરીકે જાણીતા સાધ્વી અનાદી સરસ્વતીની રાજ્યના રાજકારણ પર સારી પકડ હોવાનું કહેવાય છે. અજમેરના જાણીતા ચહેરાઓમાંથી એક છે અને હિન્દુત્વનો મુખ્ય ચેહરો પણ ગણાય છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યોથી તેઓ પ્રેરિત છે.

બુધવારે સાધ્વી અનાદી સરસ્વતીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને રાજસ્થાનના પ્રદેશાધ્યક્ષ સીપી જોશીને રાજીનામું સોંપ્યુ હતું, જેમાં સાધ્વી અનાદી સરસ્વતીએ કેટલાંક અનિવાર્ય કારણોસર પોતે ભાજપની પ્રાથમિક સભ્યપદનો ત્યાગ કરી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સાધ્વી અનાદી સરસ્વતીએ અજમેર ઉત્તર વિધાનસભા મતદારસંઘમાંથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે ભાજપે તેમને ટિકીટ આપી નથી. તેથી તેઓ નારાજ હતાં. ત્યાર બાદ જ તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો અને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. હવે કોંગ્રેસ તેમને અજમેર ઉત્તરમાંથી ઉમેદવારી આપે એવી શક્યતાઓ વર્તાઇ રહી છે.

Back to top button