કેન્દ્રીય ગૃહ વિભાગે અચાનક શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષા કેમ વધારી? શું છે કારણ….

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ અને કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષામાં અચાનક વધારો કરી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે શિવરાજસિંહ અત્યારે આઈએસઆઈના નિશાન પર હોવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણકારી મળી છે.
જેના કારણે ભોપાલ અને દિલ્હી બંને જગ્યાએ શિવરાજસિંહ ચૌહાણના આવાસ પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ સુરક્ષા વધારવાનો સીધો ગૃહ મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
આપણ વાચો: ટ્રેક્ટર પરનાં જીએસટીમાં થનારો ઘટાડો ખેડૂતોને પસાર કરવા ઉત્પાદકોને શિવરાજસિંહ ચૌહાણનો અનુરોઘ
શિવરાજસિંહ ચૌહાણની બંને આવાસોએ સુરક્ષા વધારાઈ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભોપાલમાં આવેલા શિવરાજ સિંહના 74 નંબરના બંગલાની બી-8 આવાસની ચારેય દિશામાં પોલીસની તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે નવી દિલ્હીમાં તેમના સરકારી આવાસ પાસે પણ સુરક્ષામાં સઘન વધારો કરી દેવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અત્યારે શિવરાજસિંહ અંગે માહિતી એકઠી કરી રહી છે. આખરે આઈએસઆઈ શા માટે શિવરાજસિંહ અંગે માહિતી એકઠી કરી રહી છે તે પણ એક સવાલ છે! પરંતુ સુરક્ષાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આપણ વાચો: લોકસભામાં હોબાળા બાદ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું વિપક્ષ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યું છે
સુરક્ષા વ્યવસ્થાને યોગ્ય રીતે ગોઠવવાનો પણ આદેશ કરાયો
ગૃહ મંત્રાલય દ્વારા મધ્યપ્રદેશના ડીજીપીને સુરક્ષા વધારવા અંગે પત્ર મોકલવામાં આવ્યો છે. અત્યારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI એ કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ વિશે માહિતી મેળવવામાં રસ દાખવ્યો છે. જેથી કેન્દ્રીય સુરક્ષા એજન્સી સાથે પરામર્શ કરીને કેન્દ્રીય પ્રધાનની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે.
આ સાથે અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તેમની સુરક્ષા વ્યવસ્થાને યોગ્ય રીતે ગોઠવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે, કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને પહેલેથી જ Z+ સુરક્ષા આપવામાં આવેલી છે.



