શિવરાજ સિંહ ચૌહાણે ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું કર્યું અનાવરણ કર્યું

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ઓમકારેશ્વરમાં આજે ગુરુવારે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી એકાત્મ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને અદ્વૈત લોકનો શિલાન્યાસ કર્યો હતો. આ પહેલા તેમણે 21 કુંડના હવનમાં યજ્ઞ કર્યો હતો.
મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, હું આદિ ગુરુ શંકરાચાર્યજીના ચરણોમાં વારંવાર નમન કરું છું અને આ ભવ્ય કાર્યક્રમમાં આવવા માટે આપ સૌનો આભાર માનું છું.
આ પહેલા આજે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે અહીં અંબાનો છોડ રોપ્યો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે આજે મને આદિ ગુરુ શંકરના ચરણરજથી ધન્ય પવિત્ર ધારા ઓમકારેશ્વરમાં આંબાના વૃક્ષનું વાવેતર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આદિ ગુરુના દિવ્ય અને સદાચારી વિચારોનો અનોખો પ્રકાશ માનવતાનું કલ્યાણ કરશે.
ઓમકારેશ્વરના માંધાતા પર્વત પર બની રહેલા ભવ્ય ‘એકાત્મ ધામ’માં આદિગુરુ શંકરાચાર્યની 108 ફૂટ ઉંચી ‘એકાત્મ પ્રતિમા’ સાથે ‘અદ્વૈત લોક’ નામનું મ્યુઝિયમ અને આદિગુરુ શંકરાચાર્ય આંતરરાષ્ટ્રીય અદ્વૈત વેદાંત સંસ્થા પણ બની રહી છે.
ઓમકારેશ્વર એ આદિગુરુ શંકરાચાર્યની જ્ઞાનભૂમિ અને ગુરુ ભૂમિ છે. અહીં જ તેમને તેમના ગુરુ ગોવિંદ ભગવતપાદને મળ્યા હતા અને ચાર વર્ષ સુધી અહીં રહીને શિક્ષણનો અભ્યાસ કર્યો. 12 વર્ષની ઉંમરે અખંડ ભારતમાં વેદાંતને લોકપ્રિય બનાવવા માટે તેઓ ઓમકારેશ્વરથી જ નીકળ્યા હતા. તેથી ઓમકારેશ્વરના માંધાતા પર્વત પર આદિગુરુ શંકરાચાર્યની 12 વર્ષની ઉંમરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી રહી છે.
આ પ્રતિમા એલએનટી કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. આ મૂર્તિ મહારાષ્ટ્રના સોલાપુરના પ્રખ્યાત શિલ્પકાર ભગવાન રામપુરા દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. પ્રતિમા માટે બાલ શંકરનું પોટ્રેટ મુંબઈના જાણીતા ચિત્રકાર વાસુદેવ કામતે 2018માં બનાવ્યું હતું. પ્રતિમાના નિર્માણ માટે સમગ્ર મધ્યપ્રદેશમાં વર્ષ 2017-18માં એકાત્મ યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેના દ્વારા 27 હજાર ગ્રામ પંચાયતોમાંથી ધાતુ એકત્ર કરવા અને પ્રતિમાના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.