પાટનગર પહોંચ્યા શિવરાજ સિંહ ચૌહાણ, આપ્યું મોટું નિવેદન

ભોપાલઃ લાંબા સમય સુધી મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન રહેલા શિવરાજ સિંહ ચૌહાણ ભાજપથી નારાજ ચાલી રહ્યા હોવાની અટકળો વચ્ચે હવે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને દિલ્હી બોલાવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બેઠક માટે દિલ્હી બોલાવ્યા છે. આ અંગે પ્રતિક્રિયા આપતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષે દિલ્હી બોલાવ્યા છે અને સંગઠન જે પણ નિર્ણય કરશે તે મુજબ તેઓ કામ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિવરાજ આજે સાંજે 7:30 વાગ્યે દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષને મળશે.
આ પહેલા રવિવારે રાજ્યના ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યમાં કેબિનેટ વિસ્તરણને લઈને કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સીએમ મોહન યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા, સંગઠન મહાસચિવ હિતાનંદ, નાયબ મુખ્ય પ્રધાનો જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રહલાદ પટેલ, કૈલાશ વિજયવર્ગી અને નરેન્દ્ર તોમરે ભાગ લીધો હતો. આ દિગ્ગજો ઉપરાંત, કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે, જેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા, તેઓ પણ આ બેઠકમાં હાજર હતા. જો કે, તત્કાલિન પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આ અંગે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ અને શિવરાજ સિંહ વચ્ચે બધુ બરાબર નથી. મના રાજકીય ભવિષ્ય પર પણ સવાલો ઉઠી રહ્યા હતા. આ પછી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે શિવરાજને મળવા માટે દિલ્હી બોલાવ્યા છે.
રાજ્યમાં કેબિનેટ સભ્યોના નામ હજુ સુધી નક્કી થયા નથી. એમ માનવામાં આવે છે કે પાર્ટી અધ્યક્ષ નડ્ડા કેબિનેટ સભ્યોના નામને લઈને શિવરાજ સિંહ સાથે ચર્ચાકરી શકે છે. મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવની કેબિનેટનું 19 ડિસેમ્બરે વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા મંત્રીઓના નામ પર સર્વસંમતિ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.