
બોલીવુડના 2 દિગ્ગજ અભિનેતાઓ શત્રુઘ્ન સિંહા અને રાજેશ ખન્ના વચ્ચે એક સમયે પાક્કી ભાઈબંધી હતી. બોલિવુડની ગલીઓમાં તેમની દોસ્તીના કિસ્સા ઘણા મશહૂર થયા હતા, જો કે આ ગાઢ મિત્રતામાં રાજકારણનું ઝેર ભળ્યું અને મિત્રતા ક્યારે દુશ્મનીમાં પલટાઈ ગઈ તે કોઈને ખબર પણ ન પડી. 1992ના વર્ષમાં યોજાયેલી દિલ્હીની પેટા ચૂંટણીમાં બંને સામસામા લડ્યા હતા, અને એ વાતને પગલે બંનેના સંબંધો કાયમ વણસેલા જ રહ્યા.
હાલના એક ઇન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિંહાએ રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. રાજેશ ખન્ના શત્રુઘ્ન સિંહાથી તેમના જીવનના અંતિમ કાળ સુધી નારાજ હતા જેને પગલે તેઓ એકબીજાને બોલાવતા નહોતા.
દિલ્હીમાં 1992ની પેટા ચૂંટણીમાં રાજેશ ખન્ના કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને શત્રુઘ્ન સિંહાએ ભાજપ તરફથી ચૂંટણી લડી હતી. ઇન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે તેમને એ ચૂંટણી લડવા બદલ પસ્તાવો છે, કેમકે રાજેશ ખન્નાને એ વાતનું ઘણું ખોટું લાગ્યું હતું.
“હું પોતે પણ નહોતો ઈચ્છતો કે હું તેમની સામે ચૂંટણી લડું પરંતુ આ અડવાણીજી (લાલકૃષ્ણ અડવાણી)નો નિર્ણય હતો અને હું તેમને ના પાડી શક્યો નહિ. મેં ઘણીવાર રાજેશને એ વાત સમજાવવાના પ્રયાસો કર્યા હતા કે તેમની સામે લડવાનો નિર્ણય મારો નથી, એ પક્ષ દ્વારા લેવામાં આવેલો નિર્ણય છે. પરંતુ તેઓ માન્યા નહિ અને અમારી વચ્ચે લાંબા સમય સુધી આ વાતને લઈને અબોલા રહ્યા.” શત્રુઘ્ન સિંહાએ કહ્યું.
એ ચૂંટણી બાદ જાણે તેમણે સંબંધો જ તોડી નાખ્યા હતા. મારા અનેક પ્રયત્નો છતાં અમારી વચ્ચે પહેલાની જેમ દોસ્તી થઇ શકી જ નહી. પછી તો અમે બંને અમારી બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. હું મારી પુત્રી સોનાક્ષીને પણ કહેતો કે એકવાર મને સારું થઇ જાય પછી હું હોસ્પિટલમાં તેને મળી આવીશ અને તેની માફી માંગી લઇશ, પણ હું એવું કંઇ કરું એ પહેલા તો એમના નિધનના સમાચાર મને મળ્યા. મને એ વાતનો પસ્તાવો છે કે છેવટ સુધી અમારા સંબંધો સુધરી શક્યા નહી, એ પછી મેં નક્કી કર્યું કે ક્યારેય દોસ્તની વિરુદ્ધમાં ચૂંટણી લડવી નહી, હું ચૂંટણી પણ હાર્યો હતો અને મેં મારો દોસ્ત પણ ગુમાવ્યો હતો તેવું શત્રુઘ્ન સિંહાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.
મહત્વનું છે કે રાજેશ ખન્નાએ વર્ષ 2012માં અંતિમ શ્વાસ લીધા હતા. શત્રુઘ્ન સિંહા હવે પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે.