રમતનું વાહિયાત રાજકારણ આપણને ક્યાં લઈ જશે? શશિ થરૂરે BCCIને કરી ટકોર

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વધી રહી છે, એવા સમયે શાહરૂખ ખાને પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)માં બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ કરતા વિવાદ વકર્યો હતો.
કેટલાક ધર્મગુરુઓએ શાહરૂખના આ પગલાને અયોગ્ય ગણાવ્યું હતું. આ વિવાદને ધ્યાનમાં રાખીને BCCIએ KKRની ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાનને છૂટો કરવાનો આદેશ આપ્યો છે. જોકે, આ આદેશને લઈને હવે વિવિધ જાણીતી હસ્તીઓની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં શશિ થરૂરે BCCIને આડે હાથ લીધી છે.
આપણ વાચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાઓ વચ્ચે વિદેશ પ્રધાન એસ. જયશંકર ઢાકા જશે
આપણે અહીં કોને સજા આપી રહ્યા છે
શશિ થરૂરે એક્સ પર લખ્યું કે, “આ અંગે મારા જૂના વિચારોનું પુનરાવર્તન કરતા કહી રહ્યો છું. હવે જ્યારે બીસીસીઆઈએ નિંદનીય રીતે મુસ્તાફિજુર રહેમાનનો બહાર કાઢી મૂક્યો છે અને બાંગ્લાદેશનો એ ખેલાડી લિટન દાસ અથવા સૌમ્ય સરકાર હોત તો? આપણે અહીં કોને સજા આપી રહ્યા છે. એક દેશને, એક વ્યક્તિને અથવા તેના ધર્મને? રમતનું આવું વાહિયાત રાજકારણ આપણને ક્યાં લઈ જશે?”
ભૂતપૂર્ણ ક્રિકેટર અતુલ વાસને KKRના સમર્થનમાં જણાવ્યું હતું કે, “શાહરૂખ ખાનને દોષ આપવો ખોટી વાત છે. કારણ કે તે KKRનો એકમાત્ર માલિક નથી અને KKR માત્ર એકલી ટીમ નથી, જેણે તે ખેલાડી માટે બોલી લગાવી હતી. કોઈ ખેલાડીને હટાવવાથી કોઈ ફર્ક નહીં પડે.”
BCCIએ કશું ખોટું કર્યું નથી
ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને તેલંગાણાના પ્રધાન મહંમદ અઝહરુદ્દીને જણાવ્યું હતું કે, “બોર્ડે કશુ ખોટું કર્યું નથી. બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે, તે સારું નથી થઈ રહ્યું. પરંતુ રમત એ બાબત જુદી છે. જોકે, બોર્ડે જે પણ નિર્ણય લીધો છે, તે વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરીને જ લીધો હશે.”
પશ્ચિમ બંગાળ સરકારના પ્રધાન અને ક્રિકેટર મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, BCCI તરફથી આ નિર્ણય લેવામાં મોડું થયું છે. આ નિર્ણય પહેલા આવી જવો જોઈતો હતો. જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થયેલા અત્યાચારના પીડિતોના પરિજનોને ન્યાય નહીં મળે, ત્યાં સુધી કોઈ પણ ખેલાડી અથવા કોઈ પણ સીરીઝ તે દેશ સાથે રમાડવી જોઈએ નહીં.



