“હું હોડી વિના સંસદ નહિ પહોંચી શકું” શશી થરૂરે શા માટે આવું કહ્યું ?
નવી દિલ્હી: દિલ્હીમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને દિલ્હીના લોકોને આ પહેલા વરસાદમાં જ પાણી ભરાવવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાની સમસ્યાને કારણે દિલ્હીના સૌથી પોશ અને VIP ગણાતા લ્યુટિયન્સમાં પણ મુશ્કેલી સર્જાય છે. કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરૂરે માહિતી આપી છે કે તેમના આખા આવાસ પર પાણી ભરાઈ ગયું છે અને વસ્તુઓ બરબાદ થઈ ગઈ છે. જો કે સાથે જ મનીષ તિવારી, રામગોપાલ યાદવ સહિતના નેતાઓના નિવાસસ્થાનમાં પણ પાણી ભરાય ચૂક્યું હતું.
શશિ થરૂરે ટ્વિટર પર એક વિડીયો શેર કરીને તેમના ઘરની બહાર પાણી ભરાય ગયું હોવાની માહિતી આપી છે. તેણે લખ્યું- આ લુટિયન્સ દિલ્હીમાં મારા ઘરની બહારનો ખૂણો છે. જ્યારે હું સવારે ઉઠ્યો ત્યારે મેં જોયું કે મારું આખું ઘર એક ફૂટ પાણીમાં ડૂબી ગયું હતું, દરેક રૂમ પણ. કાર્પેટ અને ફર્નિચર અને જમીન પરની દરેક વસ્તુ બરબાદ થઈ ગઈ હતી.
શશિ થરૂરે કહ્યું કે પડોશમાં વરસાદી પાણીની ગટર ભરાઈ ગઈ છે, જેના કારણે પાણીના નિકાલની જગ્યા નથી. વીજ કરંટના ભયથી સવારે 6 વાગ્યાથી વીજળી બંધ કરી દેવામાં આવી છે. શશિ થરૂરે કહ્યું કે, તેમણે સંસદમાં તેમના સાથીદારોને કહ્યું કે હું બોટ વિના ત્યાં પહોંચી શકતો નથી. પરંતુ રસ્તાઓ પરથી પાણી કાઢવામાં આવ્યું જેથી હું સમયસર પહોંચી ગયો હતો.
શશિ થરૂરે જણાવ્યું કે તેમના ટ્વીટના થોડા સમય બાદ તેમને દિલ્હીના એલજી વીકે સક્સેનાનો ફોન આવ્યો. વી.કે. સક્સેના જવાબદેહ હતા અને કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે જવાબદારીઓના વિભાજનને કારણે નિર્ણયો લેવામાં આવતા અવરોધોને સમજાવ્યા હતા. એલજી વીકે સક્સેના લાગ્યું હતું કે મુખ્ય સમસ્યા ભરાયેલા ગટરોને નિયમિતપણે સાફ કરવામાં દાખવેલી નિષ્કાળજીમાં રહેલી છે. વી.કે. સક્સેનાએ આગામી વરસાદ પહેલા તેમના સ્તરે બધું કરવાનું વચન આપ્યું છે.