વાયનાડ મુલાકાત અંગે કરેલી પોસ્ટ બાદ શશિ થરૂર ટ્રોલ થયા, આ રીતે આપ્યો જવાબ
વાયનાડ: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે ભયાનક આપત્તિ (Wayanad) આવી પડી છે, 350થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કેરળથી આવતા કોંગ્રેસના નેતા શશિ થરૂર ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાતને ગયા હતા, મુલાકાત બાદ શશી થરૂરે(Shashi Tharoor) આ મુલાકાતને “યાદગાર” ગણાવી હતી, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. હવે થરૂરે સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે, યાદગાર એટલે કંઈક યાદ રાખવાની શક્યતા છે કારણ કે તે “અવિસ્મરણીય” છે.
તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે X પર પોસ્ટ કર્યું કે “તમામ ટ્રોલ્સ માટે: ‘યાદગાર’ ની વ્યાખ્યા, યાદગાર એટલે કંઈક યાદ રાખવા યોગ્ય અથવા યાદ રાખવાની સંભાવના હોય એવું, કારણ કે તે ખાસ અથવા અનફર્ગેટેબલ હોય. મારો અર્થ એટલો જ હતો.”
શશી થરૂરે ગઈકાલે વાયનાડમાં ભૂસ્ખલનને કારણે વિનાશ પામેલા વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વિડિયોમાં જોવા મળે છે, થરૂર આફતમાં જેમને ઘરો ગુમાવ્યા છે અને હવે રાહત શિબિરોમાં છે તેમના માટે કોંગ્રેસ દ્વારા પહોંચાડવામાં આવેલો રાહત પુરવઠો ઉતારવામાં મદદ કરી રહ્યા છે. તેમણે અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી.
આ પણ વાંચો : Wayanad landslides: વાયનાડમાં 300 લોકો હજુ પણ લાપતા, આશા-નિરાશા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
તેમણે કહ્યું કે તેમની ઓફિસે પૂરથી વિસ્થાપિત થયેલા લોકો માટે કેટલાક ગાદલાની વ્યવસ્થા કરી છે. “પરંતુ આ તમામ માત્ર તાત્કાલિક પ્રતિભાવો છે. આપણે લાંબા ગાળાના સંદર્ભમાં પણ વિચારવું પડશે,”
અગાઉની એક પોસ્ટમાં થરૂરે વાયનાડમાં મુલાકાતને “ભાવનાત્મક રીતે હચમચાવી નાખતી” ગણાવી હતી. તેમણે લખ્યું કે”ચુરમાલા, મુંડક્કાઈ અને પંચરીમટ્ટમના ગામોમાં થયેલું નુકશાન જોવા માટે કાટમાળમાંથી મારો રસ્તો કરવો પડ્યો. ગ્રાઉન્ડ ઝીરોનું દૃશ્ય ભાવનાત્મક હચમચાવી નાખે એવું હતું”