50 ટકા ટેરિફ અંગે શશિ થરૂરે અમેરિકા પર ઉઠાવ્યા સવાલ, ભારતને જવાબ આપવાની સલાહ

નવી દિલ્હી: પહેલી ઓગસ્ટથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફનો સમગ્ર વિશ્વના દેશોમાં અમલ થયો હતો. અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. પરંતુ નવો ટેરિફ લાગુ થયાના પાંચ દિવસ બાદ અમેરિકાએ ફરી ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, તેથી ભારત પર હવે કુલ 50 ટકા ટેરિફનું ભારણ આવ્યું છે. જેને લઈને અનેક નેતાઓની પ્રતિક્રિયા મળી રહી છે, જેમાં કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકા પર સવાલો કરતા ભારત સરકારને સલાહ આપી છે.
અમેરિકાને ભારતના સંબંધોની કદર નથી
કૉંગ્રેસ સાંસદ શશિ થરૂર સરકારના વખાણ કરવાને કારણે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યા છે. પરંતુ આ વખતે શશિ થરૂરે સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને લઈને મીડિયા સાથે વાત કરતા શશિ થરૂરે જણાવ્યું કે, “અમેરિકાના સામાન પર આપણે સરેરાશ 17 ટકા ટેરિફ લગાવીએ છીએ. આપણે કેમ 17 ટકા પર રોકાઈ રહ્યા છીએ? આપણે પણ આ ટેરિફ 50 ટકા સુધી વધારી દેવો જોઈએ. આપણે અમેરિકાને પૂછવું જોઈએ કે, શું તેઓને આપણા સંબંધોની કદર નથી? જો ભારત માટે તેમનું કોઈ મહત્ત્વ નથી, તો આપણે પણ તેઓને મહત્ત્વ આપવું જોઈએ નહીં.”
આ પણ વાંચો: અમેરિકાએ ભારતને આપ્યો તોતિંગ ઝટકો, ભારત પર લગાવ્યો કુલ 50 ટકા ટેરિફ…
ભારતનો અમેરિકા સાથે 90 અબજ ડોલરનો વેપાર
થરૂરે આગળ જણાવ્યું કે, “વધારે ટેરિફની ભારતની કંપનીઓ પર અસર પડશે. ભારત અમેરિકા સાથે 90 અબજ ડોલરનો વેપાર કરે છે. તમે વિચારો કે કોઈ વસ્તુ જો 50 ટકા વધારે મોંઘી હશે, તો ગ્રાહક વિચારશે કે આપણે ભારતની વસ્તુ કેમ ખરીદી રહ્યા છીએ. પાકિસ્તાન, વિયતનામ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, ચીન જેવા આપણા પ્રતિસ્પર્ધી દેશો પર ટેરિફ આપણા કરતાં ઓછો છે, તેથી સ્વભાવિક છે કે, તેમની વસ્તુઓ ઓછી મોંઘી હશે. તેથી ભારતની વસ્તુઓ અમેરિકામાં વેચાઈ શકશે નહીં.”
આ પણ વાંચો: ટ્રમ્પના 50% ટેરિફને રાહુલ ગાંધીએ આર્થિક બ્લેકમેલ ગણાવ્યો, પીએમ મોદી માટે કહ્યું કે…
ચીન પર વધુ ટેરિફ કેમ નહીં?
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાને કારણે ભારત પર અન્ય દેશો કરતાં વધારે ટેરિફ લાદવામાં આવ્યો છે. એવું ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. જેને લઈને શશિ થરૂરે સવાલ કર્યો હતો કે, ચીન તો રશિયા પાસેથી ભારત કરતાંય બમણુ ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, તેમ છતાં તેને બમણો સમય આપવામાં આવ્યો છે.
વોશિંગટનથી કોઈ બીજો જ ઈશારો થઈ રહ્યો છે. કોઈ અલગ સંદેશ મળી રહ્યો છે. આપણી સરકારે તેને સમજીને જવાબ આપવો જોઈએ. જો તે લોકો આવું કરે છે તો આપણે પણ અમેરિકાની નિકાસ પર 50 ટકા રેરિફ લાદવો જોઈએ. એવું નથી કે કોઈ વ્યક્તિ કોઈ પણ દેશમાં બેસીને આપણને આ રીતે ધમકી આપી શકે.