ફ્રેકચર પછી શશી થરુર પહોંચ્યા સંસદ ભવન, દિલની વાત કહી નાખી ‘નજર તો લગ ગઈ…’

નવી દિલ્હી: સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ થરૂર સીડીઓ પરથી લપસી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. બુધવારે બનેલી આ ઘટના બાદ આજે શશી થરૂર વ્હીલચેર પર સંસદભવન પહોંચ્યા હતા, જેને જોઈને અનેક સાથી સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી. શિષ્ટ અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા થરૂર સામાન્ય રીતે ખૂબ જ સક્રિય રહેતા હોય છે, પરંતુ આ ઈજાને કારણે તેમને હવે થોડા સમય માટે વ્હીલચેરનો સહારો લેવો પડશે.
પોતાની ઈજા વિશે માહિતી આપતા શશિ થરૂરે જણાવ્યું કે તેમને હેરલાઈન ફ્રેક્ચર થયું છે. તેમણે કહ્યું, “ખૂબ દુખાવો છે અને સાજા થવામાં લગભગ ચારથી છ અઠવાડિયાનો સમય લાગશે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ક્યા કિસી કી નજર લગ ગઈ ત્યારે તેમણે હળવા અંદાજમાં સ્વીકાર્યું હતું કે નજર તો લગ ગઈ.
ઉલ્લેખનીય છે કે જ્યારે તેઓ લપસ્યા ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તેમને તાત્કાલિક સંભાળી લીધા હતા અને સીડીઓ ઉતરવામાં મદદ કરી હતી. થરૂરે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું હતું કે
જિસ દીયે કો, તુફાં મેં જલના હોગા ઉસે, સંભલ-સંભલ કે ચલના હોગા. I am okay
जिस दीये को, तूफां में जलना होगा
— Shashi Tharoor (@ShashiTharoor) February 4, 2026
उसे, संभल-संभल के चलना होगा
I am okay pic.twitter.com/YdGdtItQ9T
સંસદના પરિસરમાં માત્ર અકસ્માત જ નહીં, પણ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધીએ બિટ્ટુને ‘ગદ્દાર’ કહ્યા હોવાના અહેવાલો છે. જોકે, રાહુલે હાથ મિલાવવા માટે હાથ આગળ વધાર્યો હતો, પરંતુ બિટ્ટુ હાથ મિલાવ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટનાએ સંસદના રાજકીય વાતાવરણમાં ગરમાવો વધાર્યો હતો.
રાહુલ ગાંધી દ્વારા રવનીત સિંહ બિટ્ટુને ‘ગદ્દાર’ કહેવાના મામલે ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. દિલ્હીના સાત ભાજપ સાંસદોએ આ નિવેદનને શિખ સમુદાયના અપમાન સાથે જોડીને વખોડી કાઢ્યું છે. ભાજપનો દાવો છે કે રાહુલ ગાંધીનું આ નિવેદન શિખ સમુદાયની અસ્મિતા પર સીધો પ્રહાર છે. આમ, એક તરફ શશિ થરૂરની ઈજાની ચર્ચા રહી તો બીજી તરફ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેની શાબ્દિક લડાઈએ જોર પકડ્યું છે.



