રાહુલ ગાંધીએ ભારત બંધને સમર્થન આપ્યું તો વિરોધમાં ઉતર્યાં શશિ થરૂર, જાણો શું કહ્યું…

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ હોવા છતાં પણ એક નેતા એવા છે કે, જે પક્ષના વિરૂદ્ધમાં બોલવામાં જરા પણ સંકોચ રાખતા નથી. આજે દેશભરમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયન્સ દ્વાર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને લોકસભા વિપક્ષનેતા રાહુલ ગાંધીએ આ બંધને સમર્થન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમ સાંસદ શશિ થરૂરે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની આ મામલે ટીકા કરી છે. તેમણે તેને આ સમર્થનને ‘દુઃખદ વ્યંગ્ય’ ગણાવ્યો છે.
અવરોધ કરવાના અધિકારનું નહીં
વિગતે વાત કરવામાં આવે તો, શશિ થરૂરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘આજના ‘ભારત બંધ’ની વાસ્તવિકતા માત્ર ‘કેરળ બંધ’ છે. ભારતના બાકીના ભાગો આવા જબરદસ્તીના વિક્ષેપો પાછળ છોડી આગળ વધ્યા છે, પરંતુ કેરળ હજુ પણ અનેક લોકોના સંગઠિત અત્યાચારથી બંદીવા બન્યું છે. થરૂરે વધુમાં કહ્યું કે, ‘જ્યારથી હું રાજકારણમાં આવ્યો છું, ત્યારથી મારું વલણ સતત રહ્યું છે, હું વિરોધ કરવાના અધિકારનું સમર્થન કરું છું, પરંતુ અવરોધ કરવાના અધિકારનું નહીં. કોઈપણ ભારતીયને બીજા ભારતીયની આઝાદીમાં અવરોધ લાવવાનો બંધારણીય અધિકાર નથી’.
આ સામાન્ય નાગરિકની આઝાદી પર હુમલો છેઃ થરૂર
મૂળ વાત એ છે કે, રાહુલ ગાંધી દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું તેનો શશિ થરૂરે વિરોધ કર્યો છે. શશિ થરૂરે કહ્યું કે, હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે, જ્યારે મારો પોતાનો પક્ષ પણ સામેલ હોય ત્યારે પણ, હડતાળના અધિકારમાં બીજાઓ પર બંધ લાદવાનો અધિકાર શામેલ નથી. રાજ્યને લકવાગ્રસ્ત કરવું, રોજિંદા જીવન, વાણિજ્ય અને સેવામાં જાણતા કે અજાણતા વિક્ષેપ પાડવો તે સામાન્ય નાગરિકની આઝાદી પર હુમલો છે.
કોંગ્રેસ સાંસદ શશિ થરૂર દ્વારા કરવામાં આવેલી આ ટીકા કોંગ્રેસમાં આંતરિકનું ઉદાહરણ છે. શશિ થરૂર દ્વારા વારંવારના વિવાદાસ્પદ મંતવ્યો પાર્ટી લીડરશિપ સાથે તણાવ વધારે છે. આ પહેલી વખત નથી કે, શશિ થરૂરે કોંગ્રેસ પાર્ટી કે, કોંગ્રેસ નેતાનો વિરોધ કર્યો હોય, આ પહેલા પણ શશિ થરૂર દ્વારા પાર્ટી લાઈન તોડીને નિવેદનો આપવામાં આવ્યાં છે.



