નેશનલ

શશિ થરૂરને પ્રતિનિધિમંડળમાં સામેલ કરાતા કોંગ્રેસમાં ખેંચતાણ; થરૂરે કહ્યું, ‘જવાબદારી નિભાવીશ’

નવી દિલ્હી: ભારતે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સ્તરે આતંકવાદના મુદ્દે ઘેરવા વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય લીધો છે. તેમાં કોંગ્રેસ નેતા શશિ થરૂરનું નામ સામેલ થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ શરૂ થયો છે. થરૂરને ભારત-પાકિસ્તાન તણાવ અને ઓપરેશન સિંદૂર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે રચાયેલા 7 સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળોમાંથી એકનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય જવાબદારીઓ નિભાવી તેમ જ પૂર્ણ કરીશ
જો કે આ વિવાદ પર શશિ થરૂરે કહ્યું કે જ્યારે પણ દેશને તેમની જરૂર પડશે, ત્યારે તેઓ હંમેશા ઉપલબ્ધ રહેશે. થરૂરે કહ્યું કે મારી પાર્ટી નેતૃત્વ મારી ક્ષમતાઓ કે ખામીઓ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો હકદાર છે, મારે આ અંગે કોઈ ટિપ્પણી કરવાની નથી. તેમણે આ જવાબદારીનું સન્માન કરતાં કહ્યું કે તેઓ તેને એ જ રીતે પૂર્ણ કરશે જેમણે તેમના લાંબા કાર્યકાળમાં અન્ય જવાબદારીઓ નિભાવી છે. થરૂરે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને બે દિવસ પહેલાં આ પ્રતિનિધિમંડળ માટે પહેલો કોલ આવ્યો હતો, જેની જાણ તેમણે પાર્ટીને કરી હતી. તેમણે સંસદીય કાર્ય મંત્રીને વિપક્ષી પાર્ટીઓના નેતૃત્વ સાથે વાત કરવા વિનંતી કરી હતી, જેના પર પ્રધાને ખાતરી આપી હતી. થરૂરે કહ્યું કે દેશે આ મહત્વપૂર્ણ મુદ્દા પર એક થવું જોઈએ.

કોંગ્રેસનો વિરોધ
જો કે આ અંગે કોંગ્રેસનું કહેવું છે કે થરૂરના નામ અંગે તેમની સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. પાર્ટીએ સરકારને તેમના ચાર નામ મોકલ્યા હતા અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં. કોંગ્રેસ નેતૃત્વનું માનવું છે કે તેમને વિશ્વાસમાં લીધા વિના થરૂરનું નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યું, જે યોગ્ય નથી. . આ દરમિયાન કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નામ લીધા વિના શશિ થરૂર પર પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસમાં રહેવું અને કોંગ્રેસના હોવામાં ઘણો ફરક છે.

જયરામ રમેશે જણાવ્યું કે, સરકારે અમારી પાસે ચાર નામો માંગ્યા હતા અને અમે તે આપ્યા. પરંતુ સરકારની પ્રેસ રિલીઝ આશ્ચર્યજનક હતી. સરકારનું વર્તન પ્રામાણિકતા દર્શાવતું નથી. સરકાર એક ગંભીર બાબતમાં રમત રમી રહી છે. સરકારની કૂટનીતિ નિષ્ફળ ગઈ છે. આ તકવાદની રાજનીતિ છે. સરકાર ટ્રમ્પને સીધો જવાબ આપવા માંગતી નથી, જેમણે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે. સરકારે સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ.

આપણ વાંચો : પીએમ મોદીએ ખાસ મિશન માટે થરૂર અને ઓવૈસીની કેમ કરી પસંદગી? જાણો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button