થરૂરના અડવાણીના વખાણથી કોંગ્રેસમાં હોબાળો: પાર્ટીએ નિવેદનને ‘વ્યક્તિગત’ ગણાવ્યું…

નવી દિલ્હી: ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 98 વર્ષના થઈ ગયા છે. જન્મદિવસ નિમિત્તે અનેક નેતાઓએ લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરનો પણ સમાવેશ થાય છે. જોકે, હવે તેઓ લાલકૃષ્ણ અડવાણી અંગે કરેલા એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે, જેની સાથે કૉંગ્રેસ સહમત થવા તૈયાર નથી.
શશિ થરૂરે લાલકૃષ્ણ અડવાણી વિશે શું કહ્યું?
શશિ થરૂરે લાલકૃષ્ણ અડવાણીની કારકિર્દીને એક ઘટના સાથે જોડીને સીમિત કરવાની બાબતને અયોગ્ય ગણાવતા કહ્યું હતું કે, “જે રીતે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને ફક્ત ચીન યુદ્ધમાં મળેલી હારથી અથવા ઇન્દિરા ગાંધીને ફક્ત કટોકટીથી નકારી શકાય નહી તેવી જ રીતે લાલકૃષ્ણ અડવાણીને માત્ર રામ રથયાત્રાથી આંકી શકાય નહી. શશિ થરૂરના આ નિવેદનને લઈને કૉંગ્રેસના નેતા પવન ખેરા તથા સુપ્રીમ કોર્ટના વકીલ સંજય હેગડેએ પ્રતિક્રિયા આપી છે.

શશિ થરૂરનો વ્યક્તિગત અભિપ્રાય
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ શશિ થરૂરના નિવેદનને લઈને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે “હંમેશાની જેમ ડૉ. શશિ થરૂર પોતાના વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરે છે. કોંગ્રેસ પાર્ટી તેમના તાજેતરના નિવેદન સાથે સંપૂર્ણપણે અસંમત છે. પવન ખેરાએ વધુમાં જણાવ્યું કે, “કોંગ્રેસના સાંસદ અને CWC સભ્ય હોવા છતાં તેમની આ સ્વતંત્રતા કોંગ્રેસના ‘અનોખા લોકશાહી અને ઉદાર ભાવના’ને પ્રતિબિંબિત કરે છે.
રથયાત્રાથી દેશના સિદ્ધાંતોને નુકસાન
સુપ્રીમ કોર્ટના વકીલ સંજય હેગડેએ અડવાણીની રથયાત્રાને લઈને પોતાનો તીક્ષ્ણ વિચાર વ્યક્ત કર્યો છે. શશિ થરૂરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સંજય હેગડેએ જણાવ્યું કે, “રથયાત્રા એક ઘટના નહોતી. તે ભારતીય પ્રજાસત્તાકના મૂળભૂત સિદ્ધાંતોને ઉથલાવી પાડવાની લાંબી યાત્રા હતી. તેણે 2002 અને 2014 જેવી ઘટનાઓનો પાયો નાખ્યો. દ્રોપદીના અપમાનથી જેમ મહાભારતનો જન્મ થયો, તેમ રથયાત્રાનો હિંસક વારસો દેશની દિશાને પ્રભાવિત કરી રહ્યો છે. પોતાની બાણશૈયા પરથી પણ તેમણે રાજધર્મનો ઉપદેશ આપ્યો ન હતો.”
ઉલ્લેખનીય છે કે અડવાણીને 98મા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા, થરૂરે તેમને ‘સાચા રાજનેતા’ ગણાવ્યા અને જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણ, નમ્રતા અને ઉદારતાની પ્રશંસા કરી હતી. શશિ થરૂરે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ૯૮માં જન્મદિવસની આદરણીય શ્રી લાલકૃષ્ણ અડવાણીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! લોક સેવા પ્રત્યેની તેમનું અતૂટ સમર્પણ, તેમની નમ્રતા અને શિષ્ટાચાર, અને આધુનિક ભારતના માર્ગને આકાર આપવામાં તેમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ એક સાચા રાજનેતા છે, જેમનું સેવામય જીવન અનુકરણીય રહ્યું છે.
આ પણ વાંચો…શશિ થરૂરે લાલકૃષ્ણ અડવાણીના વખાણ કર્યા, કહ્યું તેમને માત્ર રામ રથયાત્રાથી આંકી શકાય નહી…



