
મુંબઈ: ઓગસ્ટ મહિનાના પહેલા દિવસે શેરબજારની શાનદાર શરૂઆત થઇ છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંને ગ્રીન સિગ્નલમાં ખુલ્યા. સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળીને પ્રથમ વખત 82,000ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીએ 108 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને રેકોર્ડ 25,000ની સપાટી વટાવી હતી.
BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના ટ્રેડમાં 388.15 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 82,129.49ની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. NSEનો નિફ્ટીએ પ્રથમ વખત 25,000ની રેકોર્ડ સપાટી વટાવી હતી, નિફ્ટી 127.15 પોઈન્ટ અથવા 0.50 ટકા વધીને 25,078.30 પર પહોંચ્યો હતો.
નિફ્ટી-50માં મારુતિ સુઝુકી, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, હિન્દાલ્કોમાં મહત્તમ ઉછાળા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. જ્યારે હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ, સન ફાર્મા અને એશિયન પેઈન્ટ્સ રેડ સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં મારુતિના શેરમાં 2.93 ટકાનો ઉછાળો નોંધાયો હતો. અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં પણ વધારો થયો હતો. બીજી તરફ એમએન્ડએમ, સન ફાર્મા, આઈટીસી, ઈન્ફોસીસ અને ટીસીએસના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા બાદ વિશ્વભરના બજારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા બુધવારે અમેરિકન બજારોમાં તેજી જોવા મળી હતી. વોલ સ્ટ્રીટ પર ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં 0.24 ટકાનો વધારો થયો હતો. એ જ રીતે, S&P 500માં 1.58 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 2.64 ટકાનો મોટો વધારો જોવા મળ્યો હતો.
એશિયન બજારોમાં આજે મિશ્રિત વલણ છે. જાપાનના નિક્કીમાં 2.20 ટકા અને ટોપિક્સમાં 2.48 ટકા ઘડતો નોંધાયો. બીજી તરફ, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.42 ટકાના વધારા સાથે ખુલ્યો છે અને કોસ્ડેકમાં 1.38 ટકાનો વધારો નોંધાયોછે.