BSE અને NSEમાં આ સમયે થશે મુહૂર્ત ટ્રેડિંગ, જાણો આ શું છે મહત્વ

મુંબઈ: આજે 31 ઓક્ટોબર 2024ના રોજ દેશભરમાં દિવાળી ઉજવવામાં આવી રહી છે. જયારે ઘણા લોકો આવતી કાલે 1લી નવેમ્બર 2024ના રોજ દિવાળી ઉજવશે, આ અંગે હજુ પણ મૂંઝવણ છે. પંચાંગ અનુસાર, દિવાળી 31 ઓક્ટોબર 2024ના રોજ છે, જો કે આજે શેર બજાર ચાલુ રહ્યું છે. શેરબજારની રજા પંચાંગ મુજબ નક્કી થતી નથી, બજાર 1લી નવેમ્બરે બંધ રહેશે. જોકે આવતી કાલે મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવશે.
મુહૂર્ત ટ્રેડિંગ એ દિવાળી દરમિયાન લક્ષ્મી પૂજાના શુભ સમયે યોજાતું એક કલાકનું સ્પેશીયલ સેશન છે. ભારતના બે મુખ્ય સ્ટોક એક્સચેન્જો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અનુસાર, મુહૂર્ત ટ્રેડિંગ વિન્ડો શુક્રવાર 1લી નવેમ્બરના રોજ સાંજે 6pm અને 7pm વચ્ચે ખુલશે. સેશન 5.45pm થી 6pm સુધી પ્રી-ઓપન થશે.
મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં બજારના તમામ સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે જેમાં ઇક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O), સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) વગેરે સામેલ છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) એ પણ 1લી નવેમ્બરના જ દિવસે મુહૂર્ત ટ્રેડિંગની જાહેરાત કરી છે. સમયે સાંજે 6 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી ક્લાયન્ટ કોડ મોડિફિકેશન સેશન સાથે મુહૂર્ત ટ્રેડિંગ થશે.
આ પણ વાંચો….દિવાળી પર મહિલા બોસે એવી ગિફ્ટ આપી કે…. વીડિયો જુઓ
પ્રથા સૌપ્રથમ BSE એ શરુ કરી હતી ત્યાર બાદ NSE એ પણ આ પ્રથા અનુસરી. મુહૂર્ત ટ્રેડિંગ એવી માન્યતા સાથે કરવામાં આવે છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલું રોકાણ આવતા વર્ષ માટે સમૃદ્ધિ લાવશે.
શેરબજારની રજાઓની લીસ્ટ જોવા માટે BSE વેબસાઇટ – bseindia.comની મુલાકાત લો. ‘ટ્રેડિંગ હોલિડે’ વિકલ્પ પર ક્લિક કરો. વેબસાઇટ અનુસાર 2024 માં 15 ટ્રેડિંગ હોલીડે છે. ચાલુ વર્ષમાં હવે માત્ર ત્રણ વધુ શેરબજારની રજાઓ બાકી છે, 1 નવેમ્બર 2024 (દિવાળી/લક્ષ્મી પૂજન), 15 નવેમ્બર 2024 (ગુરુ નાનક જયંતિ) અને 25 ડિસેમ્બર 2024 (ક્રિસમસ).