ગ્લોબલ સ્ટોકમાં તેજીનો વાયરો: ગિફ્ટ નિફ્ટી ૨૪,૬૦૦ની ઉપર
નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ પર હુમલાની ઘટના છતાં ગ્લોબલ સ્ટોકમાં તેજીનો વાયરો ફૂંકાયો છે, અમેરિકાના ડાઉ જોન્સે નવી વિક્રમી સપાટી હાંસલ કરી છે તો ગિફ્ટ નિફ્ટી ઉછાળા સાથે ૨૪,૬૦૦ની ઉપર બોલાયો હતો. સ્થાનિક બજારમાં નિફ્ટી પણ ૨૪,૬૦૦ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સેન્સેકસ ૮૦,૮૦૦ વટાવી ચૂક્યો છે.
ગ્લોબલ બજારોથી સારા સંકેતો સાથે સ્થાનિક બજારમાં પણ સુધારો જોવા મળ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ગિફ્ટ નિફ્ટીમાં આશરે 100 પોઇન્ટ્સની તેજી સાથે ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ડાઉ ફ્યૂચર્સ પણ તેજી દર્શાવી રહ્યો છે. શુક્રવારે ડાઉએ 40,000ને પાર પહોંચી નવું શિખર બનાવ્યું છે. S&P 500 પણ રેકોર્ડ ઉંચાઈએ બંધ થયા હતા. એકંદરે શુક્રવારે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા હતા.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી 100 પોઇન્ટના વધારાની સાથે કારોબાર કરી રહ્યો છે. આજે જાપાનનું નિક્કેઈના બજાર બંધ છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.03 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે.
તાઈવાનના બજારનો બેન્ચમાર્ક જોકે 0.19 ટકા ઘટીને 23,872.53 પોઇન્ટના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.12 ટકાના ઘટાડાની સાથે 18,087.72 પોઇન્ટના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે, કોસ્પી ઇન્ડેક્સ 0.02 ટકાના ઘસરકા સાથે 2,856.43ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.
આ તરફ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 2.11 પોઇન્ટ એટલે કે 0.02 ટકા ઉછળીને 2,970.82 પોઇન્ટના ઊંચાસ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. એકંદરે અત્યારે ગ્લોબલ ઇકવિટી માર્કેટ તેજીના પંથે આગળ વધી રહ્યું છે અને ગ્લોબલ હેજ ફંડોની નજર ફેડરલ રિઝર્વ પર છે.