નેશનલ

જનતા બધુ જોઇ રહી છે અને યોગ્ય સમયે તે બધુ એક સાથે વસૂલ કરશે: મોદી સરકાર પર ભડક્યા શરદ પવાર

નવી દિલ્હી: છેલ્લાં ઘણાં દિવસોથી દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. 13મી ડિસેમ્બરના રોજ બે યુવાનો લોકસભામાં ધૂસી ગયા હતાં. આ ઘટના બાદ વિરોધી પક્ષના સાંસદો બંને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સભાગૃહમાં નિવેદન રજૂ કરે તેવી માંગણી સતત કરતાં રહ્યાં. આ સાંસદોએ ખરાબ વર્તન કર્યુ હોવાના આક્ષેપ સાથે બંને સભાગૃહ મળીને અત્યાર સુધી 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના સામે વિરોધ વ્યક્ત કરવા આજે દિલ્હી ખાતે યોજાયેલ વિરોધી પક્ષના મોર્ચામાં શરદ પવાર પણ સામેલ થયા હતાં. શરદ પવારે કહ્યું હતું કે, જે કંઇ થઇ રહ્યું છે તે ખોટું થઇ રહ્યું છે. દેશની જનતા બધુ જોઇ રહી છે અને યોગ્ય સમયે જનતા એક સાથે બધુ જ વસૂલ કરશે.

શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભામાં જે યુવકો ઘૂસ્યા હતાં તેઓ લોકસભામાં કઇ રીતે દાખલ થયા? આ અંગે સરકારે નિવેદન આપવું જોઇતું હતું. આ સભાગૃહનો અધિકાર છે. અમે એ નિવેદન અને ખૂલાસો માંગ્યો પણ આ નિવેદન આપવાની સરકારની તૈયાર નહતી. અમે જ્યારે આગ્રહ કર્યો ત્યારે તેનું પરિણામ સસ્પેન્શન આવ્યું. આજ સુધી સંસદમાં આવું બન્યું નથી. વિધાનસભા અને સંસદમાં કામ કરીને મને 56 વર્ષ થયા છે. મેં મારા જીવનમાં આવી ઘટના ક્યારેય જોઇ નથી. વિરોધી પક્ષની પણ કેટલીક જવાબદારી હોય છે. વિરોધી પક્ષને નજરઅંદાજ કરી સરકાર મનમરજીથી કામ કરી રહી છે. પણ દેશની જનતા આ બધુ જોઇ રહી છે. અને યોગ્ય સમયે જનતા તેની યોગ્ય કિંમત વસુલ કરશે એવો મને વિશ્વાસ છે. એમ શરદ પવારે કહ્યું હતું.


કોઇ પણ બિલ પર ચર્ચા કરવાનું એમને ગમતું જ નથી. કોઇ પણ બિલ કે કાયદો સભાગૃહ સામે આવે છે પણ વિરોધી પક્ષોને તેમના વિચારો માંડવાનો મોકો જ આપવામાં આવતો નથી. તેમના વિચાર જાણ્યા વગર જ રોઇ પણ બિલ કે કાયદો પાસ કરવો યોગ્ય નથી. આ સંસદીય લોકશાહીનો અપમાન છે. જે કંઇ થઇ રહ્યું છે એ સંસદના ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય થયું નથી. એ કામ આ સરકાર કરી રહી છે. મને વિશ્વાસ છે કે દેશની જનતા યોગ્ય સમયે તેમને પાઠ ભણાવશે. એમ પવારે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button