શરદ પવારે પ્રથમ ઉમેદવારનું નામ જાહેર કર્યું, સુપ્રિયા સુળે બારામતીથી જ લડશે ચૂંટણી
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે શનિવારે લોકસભા ચૂંટણી માટે તેમના પ્રથમ ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. પવારે ફરી એકવાર તેમની પુત્રી સાંસદ સુપ્રિયા સુળેને મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ નામની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તેમની પત્ની સુનેત્રા પવારને બારામતીથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
મહા વિકાસ અઘાડીની રેલીમાં જાહેરાત
પૂણે જિલ્લાના ભોર તાલુકામાં મહારાષ્ટ્રમાં વિપક્ષી જુથ મહા વિકાસ અઘાડી દ્વારા આયોજીત એક રેલીમાં ઉપસ્થિત રહેલા 80 વર્ષીય શરદ પવારે સુપ્રીયા સુળેના નામની જાહેરાત કરી હતી. આ ચૂંટણી રેલીમાં એમવીએના સાથી પક્ષ શિવસેના (ઉદ્ધવ જુથ)ના રાજ્યસભાના સાંસદ સંજય રાઉત પણ હાજર હતા. શરદ પવારે કહ્યું કે ચૂંટણી પંચ 14 કે 15 માર્ચના રોજ ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચે તેમની પાર્ટીને “ટ્રમ્પેટ વગાડતો માણસ” નું ચૂંટણી પ્રતિક ફાળવ્યું છે.